ગુજરાતની પ્રતિષ્ઠિત આઇસ્ક્રિમ કંપની હેવમોરને કોરિયાની એક કંપનીએ ખરીદી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સર્વાધિક લોકપ્રિય બ્રાંડ હેવમોરને કોરિયાની કંપનીએ 1020 કરોડમાં ખરીદી લીધી છે. આ સોદો થઇ ગયા બાદ હવે હેવમોર કંપની બે વેન્ચરમાં વહેંચાઇ જશે.
આ સોદા અનુસાર આઇસ્ક્રીમ યુનિટ કોરિયાની કંપની પાસે જ્યારે રેસ્ટોરેન્ટ(ફૂડ) બિઝનેસ મૂળ માલિક પાસે રહેશે. મહત્વનું છે કે હેવમોર ગુજરાતની પ્રતિષ્ઠિત અને લોકપ્રિય આઇસ્ક્રીમ કંપની છે.
હેવમોર કંપનીનો ઇતિહાસ :
હેવમોર કંપનીની શરૂઆત વર્ષ 1944માં અખંડ ભારતના કરાંચીમાં થઇ હતી. આઈસ્ક્રીમની દુનિયામાં આજે હેવમોર અને પ્રદિપ ચૌના એક વિશેષ ઊંચાઇ હાંસલ કરી ચૂક્યા છે પરંતુ ભારત-પાક ભાગલા વખતે પ્રદિપભાઇ પરિવાર સાથે અમદાવાદ આવ્યા ત્યારે તેમનું સર્વસ્વ લાહોરમાં જ છૂટી ગયુ હતું.
તેમના પિતા પાસે ફક્ત આઈસ્ક્રીમ બનાવવાની કળા હતી. તેઓ કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક સ્લમ વિસ્તારમાં રહેતા અને રેંકડી પર આઈસ્ક્રીમ વેચતા હતા.