નેઋૃત્વ ચોમાસું કેરળ થઈને ગોવા અને મહારાષ્ટ્રના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે. ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી ગુજરાતને હવે રાહત મળશે. આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણીમાં વહેલું છે. આજે બપોરે વડોદરા શહેરમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો.
વડોદરામાં આજે બપોરે વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા. જેથી ત્યાંના સ્થાનીય લોકોને મુશ્કેલીઓ ઉભી થઈ હતી. કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઇ ગયા હતા. વડોદરાના રાત્રિ બજાર પાસે આવેલુ વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતા ટ્રાફિકજામ થઈ ગયો હતો.
આ સાથે વડોદરા શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. હવામાન વિભાગની આગાહી છે કે, 17 અને 18 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. 17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
17 જૂનથી કચ્છ, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને સાબરકાંઠામાં, 18મી જૂને અમદાવાદ, આણંદ અને કચ્છમાં, 19મી જૂને અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં જ્યારે 20મી જૂને દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.