ભારે વરસાદને કારણે ભાદરના 21 દરવાજા અને સુરવો ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા
ગુલાબ વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેથી સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જેમાં સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમના તમામ 29 દરવાજા 6 ફૂટે ખોલવામાં આવ્યા હતાં. બીજી બાજુ સુરવો ડેમ પણ આજે સાંજે ઓવરફ્લો થતાં તેના પણ દસ દરવાજા ચાર ફૂટે ખોલવામાં આવ્યા. જેના કારણે જેતપુર શહેરના નદી કાંઠાના વિસ્તાર ફકીર વાડો, ગોંદરો અને ગોંડલ દરવાજા વિસ્તારના ઘરોમાં પાણી ઘુસી ગયા હતાં.
જ્યારે વરસાદ સાથે ગુલાબ વાવાઝોડામાં પવન ફૂંકાવાની આગાહી હતી તેમાં આજે બપોરના શહેરના રબારીકા રોડ પર વિદેશમાં જોવા મળતા ચક્રવાત જેવો ચક્રવાત એટલે કે વંટોળીયો સર્જાયો હતો. જેના કારણે આ વિસ્તારમાં આવેલ આવેલ પાદરીયા, આતા અને સોમનાથ ઉદ્યોગ નગરમાં ત્રીસથી ચાલીસ જેટલા કારખાનાઓની છતના પતારા હવામાં કાગળ ઉડતા હોય તે રીતે આકાશમાં ઉડયા હતાં. અને પતારા ઉડીને નીચે પડતા ત્રણ કારીગરોને માથાના ભાગે ઇજા પણ પહોંચી હતી.
કારખાનાઓના પતરા ઉડી જતાં કારખાનાઓ ખુલ્લા થઈ ગયા અને સાથે વરસાદ પણ વરસતા કારખાનાઓનો ઘણો મુદ્દામાલ પલળી ગયો હતો. જેથી કારખાનેદારોને સારી એવી નુકશાની ખાવાનો વારો આવ્યો હતો.જ્યારે પાદરીયા ઉદ્યોગ નગરમાં આવેલ શગુન ડાઇંગ નામના કારખાનાની છત પર વીજળી પડતા છત ધરાશયી થઈ ગઈ હતી.