અબતક મીડિયા અહેવાલની મોટી અસર થવા પામી છે રાજકોટ શહેરનો દાયકાઓ જૂના સાંઢિયો પુલ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરાશે
ડાયવર્ઝન માટે પોલીસ કમિશનરને પત્ર લખતા મ્યુનિસિપલ કમિશનર, રેલવે ટૂંક સમયમાં રિપેરિંગ કરશે ત્યારબાદ મોટા વાહનો નહીં ચાલી શકે
મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બાદ રાજકોટ શહેરનો દાયકાઓ જૂનો સાંઢિયો પુલ હવે ભારે વાહનો માટે બંધ કરવા માટે મનપાએ વિચારણા કરી છે અને આ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ પોલીસ કમિશનરને શનિવારે પત્ર લખ્યો છે મળતી માહિતી મુજબ સોમવારથી ડાયવર્ઝન અંગે નિર્ણય લેવાઈ શકે છે પુલ પરથી 2.25 મીટરથી ઉંચાઈના વાહનો પસાર ન થઈ શકે તે માટે ગેજ લગાવવા માટે પ્રક્રિયા શરૂ કરાઈ શકે છે.
આ બ્રીજ વિશેનો સમગ્ર અહેવાલ અબતક ચેનલના માધ્યમથી પ્રસારિત કર્યો હતો, બ્રિજ રેલવેનો છે અને ઘણા દાયકા પહેલા બનાવાયો હતો. બ્રિજ બનાવવા માટે અલગ અલગ ગ્રાન્ટની માંગ કરાઈ હતી તેમજ રેલવેની માલિકી હોવાથી તે બ્રિજ બનાવે તે માટે પણ ચર્ચા થઈ હતી
જો કે હાલ ચૂંટણી જાહેર થઈ છે અને આચારસંહિતા લાગુ થઇ છે જેથી આ માટે હજુ ટેન્ડર કરવાના બાકી છે. કામ ચાલુ થાય અને અચાનક જ ડાયવર્ઝન અપાય તેના કરતા તબક્કાવાર ડાયવર્ઝન કરવા માટે નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે.
જયારે પહેલા હોસ્પિટલ ચોક બની રહ્યો હતો ત્યારે વાહનો નવા રિંગ રોડનો ઉપયોગ કરતા પણ બ્રિજ ખુલ્લો મુકાતા સાંઢિયા પુલ પર ભારે વાહનોનો ટ્રાફિક વધ્યો છે. નવો બ્રિજ બને અને ત્યાં સુધીમાં કોઈ દુર્ઘટના બને તો તંત્ર પર જ માછલાં ધોવાઈ શકે છે તેથી અત્યારથી જ તકેદારી રાખીને ભારે વાહનો બંધ કરાઈ રહ્યાં હોવાની માહિતી છે.
સાંઢિયા પુલ મામલે હજુ સુધી જોખમી હોવાનો કે સ્ટ્રક્ચરમાં કોઇ ખામી હોવાનો રિપોર્ટ આવ્યો નથી પણ તે જ્યારે બનાવાયો તે સમયે નક્કી કરેલી ઉંમર કરતા વધુ સમયથી ઉપયોગમાં લેવાઈ રહ્યો હોવાથી અભિપ્રાય અપાયો છે. આ અગાઉ પણ બ્રિજ પરથી 9 ટનથી ભારે વાહન પસાર થવા ન જોઇએ તેવો રિપોર્ટ આવ્યો હતો અને 3 વર્ષ પહેલા પુલ માટે એજન્સી પણ નિમાઈ હતી.