છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૫ તાલુકામાં મેઘમહેર: અમદાવાદના ધોળકા અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૩ ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયા વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી આગામી ૨૯ અને ૩૦ ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
વેલમાર્ક લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ફરી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ૨૯ અને ૩૦ ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં ૨૯ ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે ૩૦ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ ૨૯ ઓગસ્ટના દિવસે મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા,પાટણ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી અને ૩૦ ઓગસ્ટના દિવસે કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, મોરબી, રાજકોટમાં ભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૫ તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી જેમાંઅમદાવાદના ધોળકા અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૩ ઈંચ સુધી વરસાદ તેમજ રાજુલામાં ૨ ઈંચ અને પોરબંદર, તાલાલા અને વિસાવદરમાં ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.