જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે, રાજકોટ, પોરબંદર અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના: 15મી સુધી મેઘ મહેર યથાવત રહેશે
એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે છેલ્લા એક ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં ઓડિસ્સાના દરિયા કિનારે લો-પ્રેશર સર્જાયું છે. જે આગામી 48 કલાકમાં વધુ મજબૂત બનશે. આ ઉપરાંત મોનસૂન ટ્રફ નોર્મલ પોઝીશનથી દક્ષિણ તરફ છે. સામાન્ય રીતે મોનસૂન ટ્રફ રાજસ્થાન પરથી પસાર થતો હોય છે. જે હાલ ગુજરાત પરથી પાસ થઇ રહ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઇ કર્ણાટક સુધી ઓફશોર ટ્રફ વિસ્તરેલો છે.
જેની અસર તળે આગામી 15મી જૂલાઇ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. અમુક વિસ્તારો ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની ખાબકે તેવી સંભાવના જણાઇ રહી છે. આજે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે પોરબંદર, રાજકોટ અને બોટાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે. આગામી 15મી જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.