અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારોમાં વાદળ ફાટ્યા: ત્રણ કલાકમાં નવ ઇંચ
સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી થઇ રહેલ અવિરત મેઘકૃપાને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર, હજુ વાવેતર વધશે
અમદાવાદમાં શુક્રવારે બપોર બાદ મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઇ હતી અને તમામ વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસતા ચારેય કોર જળ બંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમાંય પશ્ર્ચિમમાં ઉસ્માનપુરા અને આસપાસના વિસ્તારોમાં વાદળ ફાટ્યા હોય તેમ 9 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. અન્ય વિસ્તારોમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ પડતા લગભગ તમામ રોડ ઉપર પાણી ભરાઇ જતા હજારો વાહન ચાલકો હેરાન પરેશાન થઇ પાણી ભરાયા ન હોય એવા રોડ શોધવા આમથી તેમ ફરતા ટ્રાફિકજામની વ્યાપક સમસ્યા સર્જાઇ હતી. અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં લોકો વરસાદની મીટ માંડીને બેઠા હતા ત્યારે એક જ દિવસમાં મેઘરાજાએ એક મહિના જેટલો વરસાદ નાંખી દીધો હતો. રાજસ્થાનમાં ચક્રવાત સર્જાતા આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત વલસાડના કપરાડામાં 8 ઇંચ વરસાદ તેમજ વાસંદામાં 7 ઇંચ વરસાદ અને કચ્છમાં સૌથી વધુ લખપતમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં મેઘ મહેર: સૌથી વધુ કચ્છના લખપતમાં 11 ઇંચ, વલસાડના કપરાડામાં 9 ઇંચ, ધરમપુરમાં 8 ઇંચ અને અમદાવાદમાં 4 થી લઇ 9 ઇંચ જેટલો વરસાદ: દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, ભાણવડ, ખંભાળીયામાં 4 થી લઇ 6 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર, જામનગર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, રાજકોટ, પોરબંદર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે એટલે કે 10 જુલાઇએ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા પંથકમાં સતત ચોથા દિવસે પણ વરસાદે મુકામ કર્યો હતો. જેમાં યાત્રાધામ દ્વારકામાં રાત્રિથી મંડાયેલા મેઘરાજાએ શનિવારે સવાર સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસાવી દેતા માર્ગો પાણી-પાણી થયા હતા. કલ્યાણપુરમાં સૌથી વધુ 4॥ ઇંચ વરસાદ, ખંભાળીયામાં વધુ સવા ચાર ઇંચ અને ભાણવડ, જામ જોધપુર, કાલાવડ પંથકમાં અઢીથી પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લામાં પણ શુક્રવારે ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ વરસ્યો હોવાનું અહેવાલ મળે છે. જેમાં જામ કંડોરણામાં દોઢ, ગોંડલ, ધોરાજી, જેતપુર અને ઉપલેટામાં પણ બે થી અઢી ઇંચ વરસાદથી લોકો ભરપૂર ભીંજાયા હતા.
સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી હળવો વરસાદ
સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી અવિરત મેઘ મહેર થઇ રહી છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી ત્રણ થી ચાર દિવસ વરસાદ વરસવવાનો છે ત્યારે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો. જેમાં જૂનાગઢના મેંદરડામાં 8 મીમી, ગીર સોમનાથના તાલાલામાં 6 મીમી, વેરાવળમાં 6 મીમી, અમરેલીના વડીયામાં 5 મીમી, ગીર સોમનાથના સુત્રાપાડામાં 5 મીમી, જૂનાગઢના વિસાવદરમાં 5 મીમી, માળીયામાં 5 મીમી, રાજકોટના ઉપલેટામાં 4 મીમી વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યા
રાજ્યમાં ચોમાસુ ભરપૂર જામ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના કાંકરા ડુંગર વિસ્તારમાં મકાન તૂટી પડતા દાદી અને પૌત્રીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. દેવભૂમિ દ્વારકામાં રાજપરા સ્થિત મંદિરે જઇ રહેલો 19 વર્ષીય યુવાન પાણીમાં ડૂબ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢના ચોરવાડમાં નાની વયના બે સગા ભાઇઓ વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં પડી જતા મોટાભાઇનું મોત નિપજ્યું હતું. પંચમહાલના સાદ્રા ગામે વીજળી પડતા એક બાળકનું મોત થયું હતું. જામનગર સેન્ટ્રલ બેંક નજીક મઠફળીમાં બે માળનું જુનું મકાન વરસાદને કારણે તૂટી પડતા કાટમાળ નીચે દબાઇ જવાથી આધેડનું મોત નિપજ્યું હતું.