આવતીકાલથી વરસાદનું જોર થોડુંક ઘટશે: 22મીથી ફરી નવી સિસ્ટમ સક્રિય થતાં મેઘકૃપાની સંભાવના
રાજ્યમાં એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે છેલ્લા 10 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહેશે. જો કે, આવતીકાલથી વરસાદનું જોર થોડુંક ઘટશે. નવી સિસ્ટમ સક્રિય થઇ રહી હોવાના કારણે 22મીથી ફરી રાજ્યમાં મેઘ મહેર શરૂ થશે.
હાલ ગુજરાતમાં ચોમાસુ પૂરજોશમાં સક્રિય છે. જેના કારણે રાજ્યમાં અવિરત મેઘ મહેર વરસી રહી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 219 તાલુકાઓમાં વરસાદ વરસી ગયો હતો. સવારથી 43 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે પોરબંદર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ભરૂચ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ અપાયું છે. આજથી ચાર દિવસ સુધી દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવના પણ હોય માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. કાલથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદનું જોર ઘટશે. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં
મધ્યમથી ભારે વરસાદ આવતીકાલે શનિવારે વરસી શકે છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં મધ્યમથી હળવો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન એક નવી સિસ્ટમ બની રહી હોય જેની અસર ગુજરાતમાં 22મી જોવા મળશે અને સતત એક અઠવાડીયા સુધી મધ્યમથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા જણાઇ રહી છે.