- કોંગ્રેસે જામનગરમાં જે.પી.મારવિયા અને અમરેલીમાં જેનીબેન ઠુમ્મરનું નામ જાહેર કર્યું: હવે ભાજપના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને કોંગ્રેસના રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢના ઉમેદવારના નામની જોવાતી રાહ
Lok Sabha Election 2024 : સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપે પુરજોશમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે. બીજી તરફ કોંગ્રેસે પણ હવે ધીમે ધીમે પ્રચારના શ્રીગણેશ કરી રહ્યું છે. પણ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને જૂનાગઢ આ બન્ને બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોના ઉમેદવારો કોણ હશે તે બાબતે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.
કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં કોંગ્રેસે પાટણથી ચંદનજી ઠાકોર, આણંદથી અમિત ચાવડા, ગાંધીનગરથી સોનલ પટેલ, અમરેલીથી જેની ઠુમ્મર, જામનગરથી જે.પી. મારવિયા, ખેડાથી કાળુસિંહ ડાભી, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, દાહોદથી ડો. પ્રભા તાવિયાડ અને સુરતથી નિલેશ કુંભાણીના નામ જાહેરાત કરી છે. જ્યારે તુષાર ચૌધરીને ફરી ટિકિટ આપી છે. જોકે આ વખતે તેમની પરંપરાગત બારડોલીની જગ્યાએ કોંગ્રેસે તેમને સાબરકાંઠાથી મેદાનમાં ઉતાર્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસના હજુ સાત ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, જુનાગઢ, રાજકોટ, વડોદરા, નવસારી અને અમદાવાદ ઈસ્ટ સીટનો સમાવેશ થાય છે. આ પહેલા કોંગ્રેસે 12મી તારીખે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠક ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. તો બીજી તરફ રાજકોટ બેઠક ઉપરથી પરેશ ધાનાણીનું નામ ફાઇનલ છે પણ પરેશ ધાનાણી ઇનકાર કરી રહ્યા હોય પક્ષ દ્વારા મનામણા કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ગુજરાતની 26 લોકસભા બેઠકમાં ભાજપે 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસે 18 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પરંતુ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારે ઉમેદવારી પાછી ખેચી છે એટલે 17 નામ જાહેર કરાયેલા છે. ભાજપ 4 બેઠકો પર ઉમેદવારોના નામને લઈ મુઝવણમાં હોય તેવું જણાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છની સ્થિતિ જોઈએ તો ભાજપે રાજકોટથી પરસોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવીયા, જામનગરથી પૂનમ માડમ, ભાવનગરથી નિમુબેન બાંભણીયા અને કચ્છથી વિનોદ ચાવડાને મેદાનમાં ઉતારી દીધા છે.
જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ભાજપ પછી જ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તેવો ઘાટ
જૂનાગઢમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને ટીકીટ મળશે કે કેમ? તેની ચર્ચા થઈ રહી છે જો મળવાની જ હોત તો નામ પ્રથમ યાદીમાં જ થઈ ચુકયું હોત. બીજી તરફ સુરેન્દ્રનગર અને જુનાગઢ બન્ને બેઠકોમાં ભાજપના ઉમેદવારની જાહેરાત નહીં કરે ત્યાં સુધી કોંગી પોતાનો ઉમેદવાર જારી નહી કરે. બન્ને પક્ષો પોતાના ઉમેદવાર ક્યારે જાહેર કરે છે તેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. જુનાગઢ સીટ ઉપર છેલ્લી બે દાયકાથી જુનાગઢના સ્થાનિકને ટીકીટ મળી નથી. દરેક વખતે ગીર સોમનાથનો હાથ ઉપર રહ્યો છે. એક જ વિસ્તારને પ્રાધાન્ય અપાયું છે. આ વખતે ભાજપ પરિવર્તનના મુડમાં હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે.