નલીયા સિવાયના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ડબલ ડિજિટમાં પહોચતા લોકોને હાશકારો
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા એક માસથી ગાત્રો ત્રીજાવતી કાતીલ ઠંડી બોકાસો બોલાવી રહી છે. આજે રાજયભરમાં તાપમાનનો પારો ઉંચકાતા લોકોને ઠંડીમાં રાહત મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૨.૪ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૧ ટકા, પવનની સરેરાશ ઝડપ ૬ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી સવારે ૮.૩૦ કલાકે તાપમાન ૧૬.૪ કિ.મી. રહેવા પામી હતી. ગઈકાલ કરતાઆજે પારો એકાદ ડિગ્રીથી વધુ ઉંચકાતા લોકોને ઠંડીમાં રાહત મળી હતી.
નલીયામાં આજે લઘુતમ તાપમાન ૮.૬ ડિગ્રી રહેવા પામ્યું હતુ આજે નલીયાનું તાપમાન ૩ ડિગ્રી ઉંચકાયું હતુ. અમરેલીનું લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૮ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬.૬ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. જૂનાગઢમાં પણ ઠંડીનું ઘટયું છે.
આજે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૦.૫ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. ગીરનાર પર્વત પર તાપમાનનો પારો ૬ ડિગ્રી આસપાસ રહ્યો હતો. મહતમ તાપમાન ૧૩ ડિગ્રી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૩.૯ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી.
નલીયા સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના શહેરોમાં આજે લઘુતમ તાપમાનનો પારો ડબલ ડિજિટમાં પહોચી જતા લોકોને કાતીલ ઠંડીમાંથી રાહત મળી હતી. જોકે આગામી દિવસોમાં હજી કોલ્ડવેવની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.