પોસ્ટ ઓફિસ અને બેંકોમાં આધાર કાર્ડની કામગીરી ચાલતી હોવા છતાં કોર્પોરેશનમાં જ અરજદારોની ભીડ: આડો વારો લેવાતા કલાકોથી લાઇનમાં ઉભેલા લોકો વિફર્યા
શહેરમાં કોર્પોરેશનની ઝોન કચેરી ઉપરાંત પોસ્ટ ઓફિસની વિવિધ શાખાઓ અને અલગ-અલગ બેંકોમાં આધાર કાર્ડની કામગીરી ચાલતી હોવા છતાં લોકોનો ધસારો માત્ર કોર્પોરેશનમાં જ રહેતો હોવાના કારણે રોજ આધાર કેન્દ્રો પર લાંબી કતારો લાગી જાય છે. આજે બુધવારે સામાન્ય દિવસો કરતા વધુ ધસારો રહે છે. દરમિયાન આજે ટોકન કરતા વધુ લોકો આધાર કાર્ડમાં સુધાર-વધારા કરવા માટે ઉમટી પડતા કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ભારે અફરાતફરી બોલી જવા પામી હતી. ઓપરેટરે આડો વારો લેતા કલાકોથી લાઇનમાં ઉભેલા લોકો વિફર્યા હતા. એક તબક્કે માથાકૂટ વધુ ભિષણ બનતા તાત્કાલીક અસરથી વિજીલન્સ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સવારે 120 લોકોને આધાર કાર્ડ માટે ટોકન આપવામાં આવ્યા હતા. હાલ આવાસ યોજના માટે ફોર્મ ભરાઇ રહ્યા હોય અને બુધવારે કારખાનામાં રજા હોવાના કારણે અંદાજે 300થી વધુ લોકો ઉમટી પડ્યા હતા.
દરમિયાન અમૂક વ્યક્તિઓ ટોકન લઇ અન્ય કામ પતાવવા માટે નીકળી ગયા હતા. તે લોકો જ્યારે પરત ફર્યા ત્યારે તેમનો વારો જતો રહ્યો હતો. પોતાનો વારો નીકળી જતા તેઓએ આધાર કાર્ડની કામગીરી કરતા ઓપરેટરો સાથે માથાકૂટ શરૂ કરી દીધી હતી. જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી. તાબડતોબ બે વીજીલન્સ કોન્સ્ટેબલને કેન્દ્ર પર બોલાવવાની ફરજ પડી હતી. હાલ મહાપાલિકા પાસે આધાર કાર્ડની કુલ 10 કીટ છે. જે વર્ષ 2014થી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ 10 કીટ પૈકી એક થી બે કીટ મોટાભાગે બંધ જેવી હાલતમાં હોય છે. આજે ઝોન કચેરીએ આધારની કીટ બંધ હોવાના કારણે સેન્ટ્રલ ઝોનમાં લોકોનો ધસારો વધ્યો હતો. જેના કારણે અફરાતફરી મચી જવા પામી છે.