રાયગઢના ઈરશાલવાડીમાં મૃતકોની સંખ્યા વધીને 22એ પહોંચી ગઈ

મુંબઈમાં ભારે વરસાદથી જનજીવનને અસર થઈ છે. પાલઘરમાં પણ ભારે વરસાદ પડ્યો હોય, શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે આ સાથે પાલઘરમાં આજે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે આજે એટલે કે શનિવારે પણ મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  હવામાન નિષ્ણાતોના મતે, એકસાથે અનેક સિસ્ટમ સક્રિય હોવાથી, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે.  શુક્રવારે સાંતાક્રુઝ વેધર બ્યુરો ખાતે 9 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.  આઈએમડી અનુસાર, શુક્રવારે સવારે 8.30 થી સાંજે 5.30 વાગ્યા સુધી, ઉપનગરમાં સરેરાશ 115.2 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે (કોલાબા વેધર બ્યુરો) શહેરમાં સરેરાશ 92.2 મીમી વરસાદ નોંધાયો હતો.

હવામાન નિષ્ણાતોના મતે મુંબઈમાં જુલાઈના અંત સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, કારણ કે 24 કે 25 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાઈ રહ્યું છે.  ઉપનગરોમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 1487 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે શહેરમાં અત્યાર સુધીમાં સરેરાશ 1140 મીમી વરસાદ નોંધાયો છે.

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના બિલોલી તાલુકામાંથી લગભગ 1,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.  ભારે વરસાદને કારણે અહીંના 12 ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.  રેવન્યુ વિભાગના કર્મચારીઓ અને અન્યોની બનેલી બચાવ ટીમોએ ગુરુવારે સાંજથી બચાવ કામગીરી શરૂ કરી હતી જે મોડી રાત સુધી ચાલુ રહી હતી, એમ જિલ્લા વહીવટી અધિકારીએ જણાવ્યું હતું.

હરનાલી, મચનુર, બિલોલી, ગોલેગાંવ, અરાલી, કસરાલી, બેલકોની, કુંડલવાડી અને ગંજગાંવ સહિત 12 ગામોના લગભગ 1,000 રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.  વરસાદ બાદ આ ગામોમાં પાણીનું સ્તર અચાનક વધી જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

બીજું તરફ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઈરશાલવાડી ગામમાં શુક્રવારે સવારે બચાવ અને સર્ચ ઓપરેશન ફરી શરૂ થયું.  આ દરમિયાન, પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જે પછી ભૂસ્ખલનથી મૃતકોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે.  તેમજ તેમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.  ખરાબ હવામાનને કારણે ગુરુવારે સાંજે ભૂસ્ખલન સ્થળ પર એનડીઆરએફના જવાનોએ તેમની શોધ અને બચાવ કામગીરી અટકાવવી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.