Table of Contents

Gujarat NEWS : શ્રાવણ મહિનો આખો કોરો ધાકડ ગયા બાદ હવે રાજ્યમાં ભર ભાદરવે અષાઢી જેવો માહોલ જોવા મળ્યો છે. ઓગસ્ટ કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં વરસાદે હેલી બોલાવી છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં અવિરત મેઘમહેર થઇ રહી છે.ે સવારથી 10 વાગ્યા સુધીમાં જૂનાગઢના વંથલીમાં છ ઈંચ, મેંદરડામાં પાંચ ઈંચ વરસાદ ખાબકી ગયો છે તેમજ સુરેન્દ્રનગરના પાટડીમાં ત્રણ ઈંચ તો મોરબીના હળવદમાં બે ઈંચ વરસાદ તેમજ જામનગર-કાલાવડમાં અળધો ઈંચ અને રાજકોટમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

વેલમાર્ક લો પ્રેસરની અસરતળે રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ  દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેને અડીને આવેલા મધ્યપ્રદેશ પર વેલ માર્ક લો પ્રેસર સર્જાયું છે. તે હવે લો પ્રેસર તરીકે ક્રમશ: દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તરફ આગામી બે દિવસ દરમિયાન આગળ વધશે. તેની અસર તળે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન ખાતાની પાંચ દિવસની આગાહી મુજબ પ્રથમ દિવસે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરાના અમુક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાદ વરસી શકે છે. જ્યારે પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.

શ્રાવણ કોરો ધાકડ જતા હવે ભાદરવે અષાઢી જેવો માહોલ જામ્યો: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ

જૂનાગઢના મેંદરડામાં 6 ઈંચ, વંથલીમાં 4 ઈંચ: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તેમજ અમરેલીના બગસરામાં 3 ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના ગોધરા અને શહેરામાં સાડા નવ ઇંચ વરસાદ પડ્યો છે. મહીસાગરના વીરપુરમાં નવ ઇંચ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના તલોદ અને અરવલ્લીના બાયડમાં આઠ ઇંચ કરતાં વધારે વરસાદ થતાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. રાજ્યના છ તાલુકામાં આઠ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકામાં છ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના 22 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 47 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આમ વરસાદની સતત હેલી રહી છે. ગઈકાલે અમદાવાદમાં પણ મૂશળાધાર વરસાદ વરસ્યો હતો. રાજ્યના 75 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજ્યના 113 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે.

   આજે સવારથી
ક્યાં કેટલો વરસાદ?

જૂનાગઢ વિસાવદર 10 ઈંચ
જૂનાગઢ મેંદરડા 6 ઈંચ
પાટણ રાધનપુર 5 ઈંચ
મહેસાણા મહેસાણા 4 ઈંચ
જૂનાગઢ વંથલી 4 ઈંચ
બનાસકાંઠા થરાદ 3 ઈંચ
મોરબી હળવદ 3 ઈંચ
બનાસકાંઠા ડિસા 3 ઈંચ
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા 3 ઈંચ
અમરેલી બગસરા 3 ઈંચ
સાંબરકાંઠાં ઈડર 2 ઈંચ
જૂનાગઢ જૂનાગઢ 2 ઈંચ
સુરેન્દ્રનગર ચોટીલા 1 ઈંચ
રાજકોટ રાજકોટ 1 ઈંચ

પાંચ જિલ્લામાં રેડ તો સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં કેટલાક જિલ્લાઓમા છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક નદીઓમાં પૂરની સ્થિતિ પેદા થઇ છે. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્ય માટે 24 કલાક હજુ ભારે છે. 24 કલાક માટે રાજ્યના પાંચ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તો સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ખેડા,અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, દાહોદમાં રેડ એલર્ટ જયારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ અને કચ્છ,પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપવામાં આવી છે.

પાંચ જિલ્લાની શાળામાં ભારે વરસાદને પગલે રજા જાહેર

રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. જેને લઈને અમુક જિલ્લામાં સ્કૂલોમાં રજા આપવામાં આવી છે. આજે નર્મદા, દાહોદ, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.જ્યારે ભરૂચ અને વડોદરા જિલ્લામાં નદી કાંઠા વિસ્તારોમાં આવતી સ્કૂલોમાં રજા આપવામાં આવી છે.આ જિલ્લામાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ પ્રશાસન તરફથી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.

ગોધરા-બાયડમાં 17 ઈંચથી વધુ વરસાદ: 9613 લોકો ને સ્થળાંતરિત કરાયા

ભારે વરસાદ અને નર્મદામાં પૂરની સ્થિતિનાં કારણે પાંચ જીલ્લામાં કુલ 9613 લોકોને સ્થળાંતરિત કરાયા હતા. જેમાં ભરૂચ જીલ્લામાં 5744, નર્મદા જીલ્લામાં 2317,  વડોદરા જીલ્લામાં 1462 લોકો, દાહોદ જીલ્લામાં 20 તો પંચમહાલ જીલ્લામાં 70 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ત્યારે પાંચ જીલ્લામાં પાણીમાં ફસાતા 207 લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા છે.

મોલાતને જીવતદાન: મગફળી-કપાસ માટે આ વરસાદ અમૃત સમાન

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જી.આર.ગોહિલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરશ્યો છે જે ખેડૂતો માટે કાચા સોના સમાન છે. કેમ કે આ વરસાદથી જમીન પોચી થશે અને પાકનું પ્રમાણ પણ વધશે. ખાસ તો છેલ્લા એક મહિનાથી ગરમીનું પ્રમાણ વધ્યું હતું અને એકાએક વરસાદ વર્ષતા હવે જે પાકોમાં જીવાતનું પ્રમાણ છે તે નહિવત થઇ જશે. ખાસ તો મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકો માટે આ વરસાદ અમૃત સમાન ગણી શકાય અને હજુ આગામી દિવસોમાં જો વધુ વરસાદ વરસશે તો શિયાળુ પાક પણ ખુબ જ સારો થાય તેવી શક્યતા છે.  બે દિવસથી એકાએક વાતાવરણ પલટો આવતા વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

એનડીઆરએફની ટીમો ખડેપગે તૈનાત

મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં ધુંઆધાર વરસાદ વરસતાં રાજ્યમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો ખડેપગે તૈનાત કરાઇ છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની 10 ટીમો તૈનાત કરાઇ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે ભરૂચ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી છે. તો નર્મદા જિલ્લામાં એનડીઆરએફની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં આવનારા 24 કલાકમાં રાજકોટ, જૂનાગઢ, વડોદરા, અને પંચમહાલમાં પણ ભારે વરસાદની સ્થિતિને લઇ તમામ જિલ્લામાં 1-1 ટીમ મોકલવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ 1 એનડીઆરએફની ટીમ મોકલાઇ છે. મહત્વનું છે કે, રવિવારે ભારે વરસાદ વચ્ચે એનડીઆરએફની ટીમે ફસાયેલા અનેક લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

અંતે વરસાદી માહોલ સર્જાતા અર્થતંત્રને થશે ફાયદો

છેલ્લા દોઢ મહિનાથી વરસાદની રાહ જોવાઇ રહી હતી. જેને પગલે અનેક ખાદ્ય વસ્તુઓમાં મોંઘવારી પણ જોવા મળી રહી હતી. અંતે હવે વરસાદી માહોલ સર્જાતા અર્થતંત્રને ફાયદો થયો છે. વધુમાં જો વરસાદ હજુ પણ ખેંચાતા મોંઘવારીનો માર જનતાએ સહન કરવો પડત.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.