નલીયાનું લઘુતમ તાપમાન ૧૧.૭ ડિગ્રી સેલ્શીયસ: ઠંડાગાર પવનો ફુંકાતા સવારે અને સાંજે ઠંડીનો અનુભવ
જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતના રાજયોમાં સામાન્ય હિમવર્ષાના પગલે ઠંડીનું જોર ધીમે-ધીમે વધી રહ્યું છે જોકે દિવાળીનો એક મહિનો વિતી જવા છતાં હજી શિયાળાએ બરાબર જમાવટ કરી નથી. આજે રાજકોટમાં ચાલુ સાલ સીઝનનું સૌથી નીચું તાપમાન ૧૪.૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું તો કચ્છનું નલીયા ૧૧.૭ ડિગ્રી સાથે રીતસર ઠુંઠવાઈ ગયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૪.૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલ કરતા આજે લઘુતમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાતા ઠંડીનું જોર વઘ્યું હતું.
સવારે ૮:૩૦ કલાકે તાપમાનનો પારો ૧૭.૨ ડિગ્રી સેલ્શીયસે રહેવાપામ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા અને પવનની સરેરાશઝડપ ૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૩૧.૬ ડિગ્રી રહેવા પામ્યું છે. કચ્છનું નલીયા આજે પણ રાજયનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું હતું.
નલીયાનું તાપમાન ૧૧.૭ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા અને પવનની ગતિ શાંત રહેવા પામી હતી.પવનની દિશા ફરતા રાજયભરમાં આગામી દિવસોમાં ક્રમશ: ઠંડી વધે તેવી સંભાવના જણાઈ રહી છે.