• છેલ્લા 24 કલાકમાં રાજ્યના 233 તાલુકામાં વરસાદ: સૌથી વધુ નર્મદાના સાગબારામાં સાત ઈંચ
  • ખમૈયા કરો મેઘરાજા

રાજ્યમાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢમાં શુક્રવારે બપોરના સમયે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતાં ભવનાથમાં 7 ઇંચ વરસાદ પડતા નદીના પૂરની માફક પાણી વહેતા થયાં હતાં. ગિરનાર પર્વતની સીડી પરથી પણ ધોધની માફક પાણી વહેતાં થયાં હતાં. રાજ્ય પર સર્જાયેલી બે સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 6 જિલ્લા અને બે સંઘપ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ત્રણ જિલ્લા અને એક સંઘપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ગુજરાતના માથે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. વિદાય લે એ પહેલા સમગ્ર ગુજરાતમાં વરસાદની મેઘ મહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલકામાં વરસાદની વાત કરીએ તો 233 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે 7 તાલુકામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે અન્ય તાલુકામાં ભારે વરસાદની આગાહી પણ કરી છે.સૌથી વધારે વરસાદ નર્મદાના સાગબારામાં સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. 9 તાલુકા એવા છે જેમાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. 35 તાલુકા એવા છે જેમાં 2 ઈંચ થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. સમગ્ર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ડ આપવામાં આવ્યું છે. ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉપરાંત ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જિલ્લાોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતાં ભવનાથમાં પૂરની માફક પાણી વહેતા થયાં આજે 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ચોમાસાના વિદાય સમયે ફરી એક વાર વરસાદની શરૂઆત થઈ છે. જેમાં છેલ્લા બે દિવસમાં અનેક જિલ્લાઓમાં વરસાદ બાદ આજે પણ રાજ્યના 14 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદામાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રનાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ અને ખેડામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ભાદર સહિત 46 જળાશયો ફરી છલકાયા 24 ડેમ સતત ઓવરફલો, 22 જળાશયોના દરવાજા ખોલી પાણી છોડાયું

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં જાણે મેઘરાજા પાછોતરો પ્રચંડ પ્રહાર  કરી રહ્યા હોય  તેવું લાગી રહ્યું છે. વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાના કારણે જળાશયોનો વૈભવ ફરી વધ્યો છે. ભાદર સહિતના  46 જળાશયો ફરી છલકાય રહ્યા છે. 24 જળાશયો ઓવરફલો થઈ રહ્યા છે.  જયારે 22 ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમના સુત્રોના જણાવ્યાનુસાર છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયો ફરી છલકાય રહ્યા છે. રાજકોટ જિલ્લાનો ભાદર ડેમમાં પાણીની આવક વધતા ચાર દરવાજા 1.8 મીટર ખોલવામાં આવી રહ્યા છે.  આ ઉપરાંત ફોફળ, આજી-1, સોડવદર, વાછપરી, વેરી, ફાડદંગ બેટી, લાલપરી, ઈશ્ર્વરીયા ડેમ ઓવરફલો થઈ રહ્યા છે. જયારે ભાદર, મોજ, વેણુ-2, આજી-3, સુરવો, ડોંડી, ન્યારી-2, છાપરવાડી 2, કરમાળ, ભાદર-2, અને કણુંકી ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લાનો મચ્છુ-1 ડેમ અને બ્રાહ્મણી ડેમ ઓવરફલો થઈ રહ્યો છે. જયારે મચ્છુ-2, ડેમી-2, બ્રાહ્મણી -2, મચ્છુ-3 અને ડેમી 3 ના દરવાજા ખોલી  પાણી છોડવામાં આવી રહ્યું છે.

જામનગર જિલ્લાનો સસોઈ, પન્ના ઉંડ-3, વાડીસંગ, ડેમ ઓવરફલો થઈ રહ્યો છે. જયારે આજી 4, ઉંડ-1, ઉંડ-2 ફુલઝર (કોબા) અને  ઉમીયા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ઘી ડેમ,  વેરાડી-2 અને મીણસાર ડેમ ઓવરફલો થઈ રહ્યા છે. જયારે વર્તુ-2 ડેમના ચાર દરવાજા ખોલવામા આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી ભોગાવો-1 વાંસલ,  મોરસલ, ત્રિવેણી, ઠાંગો, અને ધારી ડેમ ઓવરફલો થઈ રહ્યો છે. જયારે  અમરેલી જિલ્લાનો સાકરોલી ડેમ ઓવરફલો થઈ  રહ્યો છે.

નર્મદા ડેમ છલકુ-છલકુ:  99.18 ટકા ભરાયો ડેમની સપાટી 138.44 મીટરે  પહોચી

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ હવે છલકુ-છલકુ થઈ રહ્યો છે. ડેમ  99.18 ટકા ભરાય ગયો છે. હવે ઓવરફલો થવામાં માત્ર 24 સેન્ટીમીટર જ  છેટુ રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીની ચિકકાર આવક થવાના કારણે છેલ્લા એક માસથી દરવાજા ખોલી પાણી  છોડવામાં આવી રહ્યું છે. આજે સવારે ડેમની સપાટી  138.44 મીટરે પહોચી જવ પામી છે. ડેમની કુલ ઉંડાઈ  138.68 મીટર છે. ડેમ  99.18 ટકા ભરાય ગયો છે. હવે ડેમ ઓવરફલો થવામાં  માત્ર  0.24 મીટર બાકી રહ્યો છે.  હાલ ડેમમાં પ્રતિ સેક્ધડ  191224 કયુસેક પાણીની આવક થઈ રહ્યું છે. જેની સામે ડેમના દરવાજા ખોલી  115071 કયુસેક પાણી છોડવામા આવી રહ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.