સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત પર સ્થિર: ઉમરગામમાં 10 ઈંચ ખાબક્યો બાદ વધુ બે ઈંચ પાણી પડ્યું: ધરમપુરમાં ચાર ઈંચ, ખેરગામમાં 3 ઈંચ, આજે પણ સાર્વત્રિક વરસાદની આગાહી

સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી શરૂ થયેલા અનરાધાર વરસાદે આજે સવારથી વિરામ લેતા વહીવટી તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. બે દિવસથી સાંબેલાધારે વરસાદના પગલે સુરતના લીંબાયત, પસોદરા, સણીયા, હેમાદ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. વહીવટી તંત્ર દ્વારા જળમગ્ન વિસ્તારોમાં બચાવ અને રાહતની કામગીરી યુદ્ધ સ્તરે હાથ ધરવામાં આવતા સ્થિતિ નિયંત્રણમાં આવી હતી.

સુરત શહેર-જિલ્લામાં શ્રીકાર વરસાદની સ્થિતિ જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં બારડોલી તાલુકામાં સૌથી વધુ 9 જ્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં પણ 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતનું ચેરાપુજી ગણાતા ઉંમરગામમાં 10 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન ઠપ્પ થઈ ગયું હતું.

બીજીબાજુ તાપી જિલ્લાના ડોલવણમાં પણ 6.25 ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ઠેર-ઠેર 3 થી 4 ફૂટ પાણી ભરાયા હતા. ઉંમરગામમાં 236 મીમી, કપરાડામાં 107 મીમી, ધરમપુરમાં 131 મીમી, પારડીમાં 99 મીમી, વલસાડમાં 162 મીમી, વાપીમાં 232 મીમી વરસાદ નોંધાયો હતો. અલબત આજે સવારથી વરસાદે વિરામ લીધો હોય વહીવટીએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

સૌરાષ્ટ્રમાં આજે જૂનાગઢ, અમરેલી, પોરબંદર જિલ્લામાં બે થી ત્રણ ઈંચ સુધી વરસાદની સંભાવના

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ફરી પાછો વરસાદ વરસી શકે છે. આ સિવાય આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર અને દરિયાકાંઠા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે.

આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 25 તાલુકામાં વરસાદ થયો જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 15 મીમી નોંધાયો છે. તે સીવાય નવસારીના ચીખલીમાં 6 મીમી વરસાદ થયો છે. આજે સવારે દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના મહેસાણાના સતલાસણા તાલુકામાં પણ 2 મીમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આજે દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે તો વલસાડમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં દરરોજ એકાદ ઝાપટું વરસી જતાં મોલાતને થોડી રાહત મળી છે પરંતુ હજુ વરસાદની લોકો રાહ જોઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.