- અનરાધાર મેઘવર્ષાએ વિરામ લેતા જ વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સલામતીને અગ્રતા ધોરણે સતર્કતા સાથે રાહત બચાવ સહિતની પૂરજોશમાં કામગીરી હાથ ધરવામાં આવી: આરોગ્ય તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ
સારો વરસાદ આવે ત્યારે સૌથી વધુ આનંદીત અન્નદાતા થતો હોય છે. પરંતુ આ જ વરસાદ જ્યારે વધુ પડતો આવે તો મુશ્કેલીમાં પણ અન્નદાતા જ મુકાતો હોય છે. સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાંખી છે. બીજી બાજુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનરાધાર મેઘવર્ષાએ વિરામ લેતા જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સલામતીને અગ્રતા ધોરણે રાખી સતર્કતા સાથે રાહત બચાવ સહિતની પૂરજોશમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.દ્વારકામાં 142 લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે 1652 જેટલા નાગરિકોને સ્થાળાંતર કરેલ છે. જેમાં ભાણવડ તાલુકામાં 359, ખંભાળિયા તાલુકામાં 163, દ્વારકા તાલુકામાં 975 તેમજ કલ્યાણપુર તાલુકામાં 155 જેટલા નાગરિકોને આશ્રયસ્થાન ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસન દ્વારા નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ વેઠવી ન પડે તે માટે સંપૂર્ણ તકેદારી રાખી અત્યાર સુધીમાં કુલ 14 હજાર કરતાં વધારે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ભારે વરસાદની સ્થિતિ પગલે જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલા અહેવાલ અનુસાર એક માનવ મૃત્યુ તેમજ બે માનવ ઇજા તથા 66 જેટલા પશુ મૃત્યુ નોંધાયેલ છે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 32 તેમજ રાજ્ય હસ્તકના 4 રસ્તા હાલ બંધ છે. જ્યારે એસ.ટી.ના 17 રૂટ બંધ છે. જિલ્લામાં વીજ પુરવઠાની સ્થિતિ જોઈએ તો, કુલ 423 વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા છે. તેમાં ખંભાળિયા તાલુકામાં 146, ભાણવડ તાલુકામાં 53, કલ્યાણપુર તાલુકામાં 108 તથા દ્વારકા તાલુકામાં 116 વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા છે. જેને પૂર્વવત કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સમુદ્રી શહેર માંડવીમાં 26થી 29 ઓગસ્ટ સુધી ચાર દિવસમાં એકસામટો 36 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તાર સહિતના અનેક સ્થળોએ પાણી ભરાતા જળબંબાકાર થવાના કારણે બે દિવસમાં 300 લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ઉંડા પાણીમાંથી રેસ્ક્યુ ઓપરેશન કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા. બાબાવાડી, મેઘમંગલનગર સહિતના અનેક પોષ વિસ્તાર બેટમાં ફેરવતા લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા બોટના સહારે રેસ્ક્યુ ઓપરેશન કરી બે દિવસથી ડૂબમાં રહેલાઓને આર્મી ભુજ સ્ટેશન ફોર્સના 80 જવાનોની ટીમે 300 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા, તેમની સાથે એનડીઆરએફની ટીમ અને પાલિકાના કર્મીઓ જોડાયા હતા.સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં તારાજી જ સર્જાઈ હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. મેઘરાજાએ મન મૂકીને બેટીંગ કર્યા, ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ભારે વરસાદ બાદ ક્યાંક ગળા સુધીના નદીઓના પાણી ફરી વળ્યાં છે, ઘણા શહેર અને ગામડા બેટમાં ફેરવાઈ ગયા છે. વરસાદે વિરામ લેતા ત્રણ દિવસથી પાણીમાં ડૂબેલા ગુજરાતમાંથી પાણી ઓસર્યા છે. જેને લઈને તારાજીની તસવીરો સામે આવી છે. વિરામ જામનગર શહેરમાં પાણી ઓસરતા ભયાનક દૃશ્યો સામે આવ્યાં છે. રસ્તાઓ તૂટી ગયા છે. જળ હોનારત બાદ જામનગરના વિસ્તારની હાલત નર્કાગાર થઈ છે. વરસાદે ધોઈ નાખતા પુલ પર ડામરનું નામનિશાન રહ્યું નથી. જામનગરમાં વરસાદે ખેદાનમેદાન કરી નાખ્યું છે. આ સાથે જ રમકડાંની જેમ ગાડીઓ તણાતી હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યાં છ.પોરબંદર શહેરમાં 15 ઇંચ જેટલો વરસાદ પડી ગયા બાદ ભયાનક દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ ભાદર નદીના પાણી પોરબંદર શહેરમાં ઘૂસ્યા હતા. ગઈકાલે બુધવારે રાત્રીના પોરબંદર શહેરમાં પાણી ઘૂસ્યા હતા. કુંભારવાડા, કડીયા પ્લોટ, મિલપરા અને ખાડી ખાડા કાંઠા વિસ્તારના પાંચ હજારથી વધારે મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોની ઘરવખરી અને અનાજ પલળી ગયા હતા.વરસાદ અને પૂરના કારણે પશુઓની હાલત દયનીય બની છે. પોરબંદરના ઘેડ અને બરડા પંથકમાં પૂરના પાણીના કારણે પશુઓની હાલત કફોડી બની હતી. બરડા પંથકમાં વર્તુના પાણીના કારણે નદી કાંઠામાં પશુઓનો ઘાસચારો પાણીમાં વહી ગયો હતો. ઘેડ પંથકમાં પણ આ સ્થિતિ જોવા મળી હતી. પાણીમાં તણવાથી કેટલાક પશુઓના મોત થયા હોવાનું પણ કહેવાય છે.
રાજ્યના 206 જળાશયો 76.84 ટકા ભરાયા
ભારે વરસાદના કારણે રાજ્યના કુલ 206 જળાશયો 76.84 ટકા ભરાયા છે. જેમાં 106 જળાશયો સો ટકા કરતા વધુ ભરાયેલા છે. નર્મદા ડેમ 30મીએ સાંજે 4 વાગે કુલ ક્ષમતાના 85.79 ટકા ભરાયેલો હતો. પાણીની સતત થઇ રહેલી આવકના કારણે 130 જળાશય હાઇ એલર્ટ અને 16 જળાશયો એલર્ટ પર મૂકાયા છે. 46 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. 20 જળાશયો 50થી 70 ટકા, 21 ટકા જળાશયો 25થી 50 ટકા અને 13 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયેલા છે.
ખતરો ટળ્યો: અસના વાવાઝોડું ઓમાન ભણી ફાટ્યું
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘકહેરના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કચ્છમાં ગુરુવારે સાંબેલાધાર વરસાદ વરસવાના કારણે જનજીવન અસ્તવ્યવસ્ત બન્યું હતું. લોકો વરસાદી આફતમાંથી બહાર આવે તે પહેલાં જ અરબ સાગરમાં સક્રિય થયેલા વાવાઝોડાના કારણે માંડવી, મુન્દ્રા અને અબડાસામાં ભારે પવન ફૂંકાતા મુશ્કેલી બેવડાઈ હતી. તંત્ર દ્વારા આ ત્રણેય તાલુકાઓમાં કાચાં મકાનો અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. જોકે, બપોર બાદ વાવાઝોડાની અસર ઓછી થઇ છે. કચ્છ જિલ્લા કલેકટર અમિત અરોરા સાથે વાત કરતા તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, સંભવિત વાવાઝોડું અરબ સાગરમાં પાકિસ્તાન તરફ આગળ વધતાં હવે કચ્છ ઉપરથી ચક્રવાતની ઘાત ટળી ગઈ છે.
47 સ્ટેટ હાઇવે સહિત કુલ 654 રસ્તાઓ હજુ બંધ
છેલ્લા છ દિવસના ભારે વરસાદથી રાજ્યના 47 સ્ટેટ હાઇવે સહિત કુલ 654 રસ્તાઓ હજુ વાહન વ્યવહાર માટે સલામત થયા નથી. જેમાં ચાર નેશનલ હાઇવે અને 47 સ્ટેટ હાઇવેનો સમાવેશ થાય છે. એસટી નિગમના 587 રૂટ પણ બંધ છે. ચાર નેશનલ હાઇવે બંધ છે તેમાં દ્વારકા, કચ્છ, ભરૂચ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. કચ્છમાં સૌથી વધુ 13 સ્ટેટ હાઇવે બંધ છે. તે ઉપરાંત ખેડા જિલ્લાના ચાર, દ્વારકાના ચાર, અમદાવાદ-આનંદ મળીને બે-બે સહિત કુલ 47 સ્ટેટ હાઇવે બંધ છે. ઉપરાંત પંચાયત હસ્તકના 544 અને અન્ય 59 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. એસટી નિગમના અનેક રૂટ બંધ થવાથી નિગમને 91.52 લાખનું નુકશાન થયું છે. સૌથી વધુ દ્વારકા, રાજકોટ, ખેડા, કચ્છ, જામનગર અને અમદાવાદના રૂટ કેન્સલ કરાયા છે.
સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે
1 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલેયલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 31 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, 2 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભારે વરસાદને પગલે ભાવનગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે. જેમાં 3 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, સુરત અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના 18 તાલુકામાં રેકોર્ડબ્રેક વરસાદ
તાલુકા વરસાદ
- દ્વારકા 387 ટકા
- માંડવી 307 ટકા
- ખંભાળિયા 245 ટકા
- મુંદ્રા 229 ટકા
- અબડાસા 226 ટકા
- નખત્રાણા 225 ટકા
- કલ્યાણપુર 219 ટકા
- પોરબંદર 211 ટકા
- કાલાવડ 191 ટકા
- ભાણવડ 191 ટકા
- ટંકારા 182 ટકા
- નડિયાદ 174 ટકા
- તારાપુર 162 ટકા
- ખેરગામ 161 ટકા
- લોધિકા 158 ટકા
- પાદરા 148 ટકા
- મોરબી 148 ટકા
- વડોદરા 129 ટકા