રાજકોટના રૈયા પાસે પાણીના ખાડામાં ન્હાવા પડેલા બે ભાઇ સહિત ત્રણના મોત: કોન્ટ્રાકટર સામે નોંધાયો ગુનો

મોરબીમાં દિવાલ ધરાશાયી થતાં આઠે જીવ ગુમાવ્યા: ધ્રાંગધ્રાંની નદીના પુરમાં ટ્રેકટર ચલાવતા સાતની જીવાદોરી કપાઇ

પોરબંદરમાં ત્રણ ખલાસી અને માળીયાના ત્રણ યુવાનોનાં ઉંડા પાણીમાં ગરક થતા મોત

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર નદી-નાળામાં આવેલા પુસ્કળ પાણીમાં ફસાવવા અને ન્હાવા પડવાના કારણે ૧૭ બાળકો સહિત ૩૪ના મોત નીપજ્યા છે. જેમાં મોરબીમાં મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણ બાળકો સહિત આઠના મોત નીપજ્યા છે. રાજકોટની ભાગોળે રૈયા ખાતે પાણીના ખાડામાં ન્હાવા પડેલા બે સગા સહિત ત્રણે જીંદગી ગુમાવી છે. ધ્રાંગધ્રાંના વાવડીની ફુલકુ નદીના પુરમાં ટ્રેકટર તણાતા સાતના મોત નીપજયાં છે. પોરબંદરમાં ત્રણ ખલાસી દરિયામાં ડુબી જતાં અને માળીયામાં ન્હાવા પડેલા ત્રણ બાળકોના જીંદગી ગુમાવી છે.

શહેરની ભાગોળે આવેલા રૈયાના મહાકાળી માતાજીના મંદિર પાસે નવા બંધાતા બિલ્ડીંગના સેલર માટે ખોદાયેલા ખાડામાં ભરાયેલા પાણીમાં ડુબી જતા રૈયાના સમીર મુકેશ મકવાણા અને ઢાંઢણી ગામે રહેતા મામાના દિકરા અર્જુન જગદીશભાઇ વઘેરા અને કરણ જગદીશભાઇ વઘેરાના ન્હાવા જતા ઉંડા પાણીમાં ડુબી જતા ત્રણેયના મોત નીપજ્યા છે.અર્જુન અને કરણ ગઇકાલે રૈયા ગામે આંબેડકરનગરમાં રહેતા મામા જગદીશભાઇ ઉકાભાઇના ઘરે શનિવારે આટો દેવા આવ્યા બાદ ત્રણેય પિતરાઇ રવિવારે બપોરે રમવા માટે ઘરેથી નીકળ્યા બાદ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાન માસીયાઇ શિભુમે ત્રણેય બાળકો સવન બિલ્ડીગના ૨૫ ફુટ ઉંડા પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડતા ડુબી ગયાની જાણ કરતા ફાયર બ્રિગેડના તરવૈયાની મદદથી ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે સવન બિલ્ડીંગના કોન્ટ્રાકટર સામે બેદરકારી અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

રૈયા નજીક આવેલા દ્વારકાધીશ એપાર્ટમેન્ટમાં રહેતા ગોપાલ દેવકરણ સિંધવ નામના ૧૪ વર્ષના તરૂણ ઘર પાસે ભરાયેલા પાણીના ખાડામાં ડબી જડતા મોત નીપજયું છે. જ્યારે આલાપ ગ્રીન સિટી પાસે રહેતા દિપગીરી કેતનગીરી ગૌસ્વામી નામનો ૧૨ વર્ષનો તરૂણ જામનગર રોડ પર શેઠનગર પાસે પાણીના ભરાયેલા ખાડા પાસે મોબાઇલથી સેલ્ફી લેવા જતા પગ લપસી જતા તેનું મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.

મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલા કામધેનું પાર્ટી પ્લોટ પાસે દિવાલ ઝૂંપડા પર ધરાશાયી થતા ઝુંપડામાં સુઇ રહેલા શ્રમજીવી કરમાબેન સોનુભાઇ ખરાડી, લલિતાબેન સોનુભાઇ ખરાડી, અલ્કાબેન ખરાડી, તેજલબેન ખરાડી, વિદેરા ભુરાભાઇ ડામોર, તેની પત્ની કલિતાબેન, કાલીબેન અલુભાઇ અને આશાબેન પુનમભાઇના મોત નીપજયા છે.

ધ્રાંગધ્રાં વાવડી ગામે આવેલી ફુલકુ નદીમાં ભારે વરસાદના કારણે પુર આવ્યું હતું ત્યારે વિજય રવજીભાઇ ધાઘલ પોતાના ટ્રેકટર સાથે પસાર થયો હતો. ટ્રેકટરમાં બેઠેલા બનાસકાંઠા પંથકના સંગાજી માગાજી ઠાકોર, ગંભીરજી લાલાજી ઠાકોર, જ્યોત્સનાબેન ગંભીરજી ઠાકોર, પુનમબેન ગંભીરજી, અવકાશ મેરૂ રબારી અને રવિ ગોવિંદ રબારી પુરમાં તણાતા તમામના મોત નીપજ્યા હતા.

આદિવાસી પરિવારના બંનાસકાંઠા જિલ્લામાં સંબંધીનું મોત થયું હોવાથઈ લૌકિકે જવા માટે વિજયભાઇ ધાધલને ટ્રેકટરમાં મુકવા માટેનું કહેતા તેઓ ગયા હતા. ફુલકુ નદીમાં સાત મુસાફરો સાથે ટ્રેકટર તણાયાની જાણ થતાં એનડીઆરએફની ટીમની મદદથી મૃતદેહ શોધવામાં આવ્યા હતા અને હેલિકોપ્ટરની મદદથી ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા.

માણાવદર તાલુકાના સણોસરા ગામના ચેક ડેમમાં ચાર બાળકો ન્હાવા માટે પડયા હતા. જેમાં નિલમ રંગેશ રાઠવા અને કુલદીપ ગુમાન રાઠવા ઉંડા પાણીમાં ગરક થતા બંનેના મોત નીપજયાનું પોલીસમાં નોંધાયું છે.

માળીયા મિયાણા તાલુકાના ઘાટીલા ગામના વોકળામાં જગમાલ મંગા ભરવાડ, કાસમમીયા અલ્લારખા અને અવેશ સુભાન કટીયાના ડુબી જતાં મોત નીપજ્યા છે.

વડીયાના હનુમાન ખીજડીયા ગામે ચેક ડેમમાં ડુબી જતા ચંપાલાલ કાજરીયા અને તેના ભાઇ રૂપાલાલ ડુબી જતાં બંનેના મોત નીપજ્યા છે.

પોરબંદર દરિયામાં માછી મારી કરવા માટે ૪૫ જેટલા ખલાસી બોટલ લઇને દરિયામાં ગયા બાદ દરિયામાં તોફાની પવન અને ભારે વરસાદના કારણે બોટ ગરક થયેલા મનિષ લાલજી મસાણી, વસંત ભોવાન ભરાડા અને મુળુ લાખા રાઠોડ ડુબી જતા મોત નીપજ્યા છે.

કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડીના પ્રવિણ શામજી મકવાણા નામના યુવાન બે દિવસ પહેલાં લાપતા બન્યા બાદ વોકળામાંથી મૃતદેહ મળતા પરિવારમાં શોક છવાઇ ગયો છે. ધ્રોલ તાલુકા વાગદળ ગામે વોકળામાં પાણી ભરાતા પોપટભાઇ ડાયાભાઇ પરમાર ડુબી જતા તેનું મોત નીપજયું છે. કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામે વાડીએ રહેતા નિલેશ મેથુ સગાડીયા નામનો યુવાન તળાવમાં ડુબી જતાં મોત નીપજયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.