રાજકોટમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૧.૭ ડિગ્રી પર સ્થિર: નલીયા, જૂનાગઢ અને અમરેલીમાં પારો થોડો ઉંચકાયો
રાજયમાં છેલ્લા દશેક દિવસથી હાડ થીજાવતી ઠંડી બોકાસો બોલાવી રહી છે. જો કે આજે રાજયભરમાં લઘુતમ તાપમાનનો પારો થોડો ઉંચકાતા લોકોને ઠંડીમાં થોડી રાહત મળી હતી. રાજકોટમાં ઠંડીનું જોર જારી રહેવા પામ્યું હતું. આગામી ત્રણેક દિવસ સુધી રાજયમાં ઠંડીમાં થોડો ઘટાડો નોંધાશે ત્યારબાદ ઠંડીનું જોર ક્રમશ: વધશે.
ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં હાડ થીજાવતી પડતી હોય છે. છેલ્લા દસેક દિવસમાં રાજયમાં ઠંડીનું જોર સતત જારી છે. ઉતરીય રાજયોમાં બરફ વર્ષાના કારણે લઘુતમ તાપમાનનો પારો સતત નીચો પટકાતો હતો. જો કે આજથી ઠંડીમાં થોડી રાહત મળી છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર રાજકોટનું લઘુતમ તાપમાન આજે પણ ૧૧.૭ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. શહેરમાં ઠંડીમાં કોઈ ઘટાડો નોંધાયો નથી માત્ર પવનની ગતીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સવારે ૮:૩૦ કલાકે શહેરનું તાપમાન ૧૫.૨ ડિગ્રી અને ભેજનું પ્રમાણ ૫૬ ટકા જયારે પવનની સરેરાશ ઝડપ ૬ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
કચ્છના નલીયામાં આજે પણ લઘુતમ તાપમાન સિંગલ ડિજીટમાં રહેવા પામ્યું હતું. જો કે નલીયામાં આજે પારો થોડો ઉંચકાયો હતો. નલીયાનું લઘુતમ તાપમાન આજે ૬.૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલનું મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા રહેવા પામ્યું હતું. ગઈકાલ કરતા આજે લઘુતમ તાપમાનનો પારો એકાદ ડિગ્રી જેટલો ઉંચકાતા નલીયાના રહેવાસીઓને કાતીલ ઠંડીમાં થોડી રાહત મળી હતી.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૨.૨ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. જૂનાગઢમાં પણ આજે કાતીલ ઠંડીમાં રાહત અનુભવાય હતી. લઘુતમ તાપમાન ૧૧.૫ ડિગ્રી નોંધાયું હતું. ગીરનાર પર્વત પર તાપમાન ૬ ડિગ્રી સુધી નીચુ રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહેવા પામ્યો હતો. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં માત્ર સાડા ત્રણ ડિગ્રીનું અંતર રહેતા સોરઠવાસીઓ દિવસભર કાતીલ ઠંડીમાં ધ્રુજી રહ્યાં છે.
અમરેલીમાં પણ આજે ઠંડીનું જોર જારી રહેવા પામ્યું હતું. લઘુતમ તાપમાન ૧૦.૮ ડિગી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને ગઈકાલનું મહતમ તાપમાન ૨૯ ડિગ્રી રહેવા પામ્યું હતું. આગામી ત્રણેક દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીમાં રાહત રહેશે. ત્યારબાદ ફરી ક્રમશ: ઠંડીનું જોર વધશે.