પ્રતિ વર્ષ લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળવાની ઘટનાના કાયમી નિરાકરણ માટે હકારાત્મક રજૂઆત કરી નિરાકરણ લવાશે

દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લેતા વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં પણ સર્જાયેલી પરિસ્થિતિની રાજ્યના વન અને આદિજાતિ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ જાત મુલાકાત લીધી હતી. આહવાના સરકીટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીએ જ ણાવ્યું કે, ડાંગ જિલ્લામાં બનેલા એક માનવ મૃત્યુના કેસમાં સત્વરે કાર્યવાહી હાથ ધરીને રૃ. ૪ લાખની રાહત ચૂકવી છે. જ્યારે ચાર પશુ મૃત્યુમાં પણ તાત્કાલિક સહાય ચૂકવણીની કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જણાવ્યું હતું.

પ્રાથમિક અંદાજ મુજબ ડાંગ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે અહીં ૧૬ જેટલા કાચા મકાનોને અંદાજીત રૃ. ૪૮ હજારનું નુકસાન થયું હોવાનું જણાવી જિલ્લાના ૫૩ જટેલા જિલ્લા માર્ગ સહિત ૧ રાજ્ય ધોરીમાર્ગ મળી કુલ ૫૪ માર્ગોને અંદાજીત રૃ. ૨૩૫.૮૮ લાખનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.

જિલ્લાના સિંચાઇ વિભાગ હસ્તકના નાના મોટા ૩૩ ચેકડેમોને અંદાજીત રૃ. ૩૧૨.૫૦ લાખના નુકસાન સહિત પાણી પુરવઠા યોજનાની જુદી જુદી ૩ યોજનાઓને પણ અંદાજીત રૃ. ૩૯.૫૦ લાખનું નુકસાન થયું હોવાનું ઉમેર્યું હતું.

વીજ કંપનીના ૭૯ વીજ પોલ સહિત ૮ જેટલા ટ્રાન્સફોર્મરને પણ અંદાજીત રૃ. ૩૩.૧૩ લાખનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.

જિલ્લામાં પ્રતિવર્ષ લો લેવલ બ્રિજ ઉપર નદીના ધસમસતા પાણી ફરી વળવાની બનતી ઘટનાઓમાં તેના કાયમી નિરાકરણ માટે જિલ્લાના પ્રભારી મંત્રી મારફત રાજ્યકક્ષાએ રજૂઆત કરીને લો લેવલ બ્રિજને સ્થાને નવા ઉંચા પુલ બનાવવાની કાર્યવાહી હાથ ધરાશે તેમ પણ મંત્રીએ એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં મીડિયાકર્મીઓને જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.