અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં ગઈકાલે અચાનક જ વાતાવરણમાં બદલો જોવા મળ્યો હતો અને કડાયા, વાવડી, સુડાવડ અને રફાળા સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી પંથકમાં ખેડૂતોને એક પછી એક ફટકો પડી રહ્યો છે. અગાઉ આ વિસ્તારમાં ત્રણ વખત માવઠુ પણ થયું હતું અને ત્યારબાદ કોરોનાના કારણે લોકડાઉન આવી પડતા અહીંના ખેડૂતોની મુશ્કેલી વધી હતી.

તૈયાર થયેલો માલ ઘરે પહોંચાડવા ખેડૂતોને મજૂરો મળતા નથી, વળી આ માલ યાર્ડમાં પણ વેંચી શકાતો નથી. તેવા સંજોગામાં ફરી એકવાર માવઠુ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગઈકાલ બપોરબાદ અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બગસરા તાલુકાના કડાયા, વાવડી, સુડાવડ તથા આસપાસના ગામોમાં બપોરબાદ વરસાદી વાદળો આવી ચડયા હતા અને વરસી પડ્યા હતા.હાલમાં ઘઉં-ચણાની સીઝન ચાલી રહી છે. ઉપરાંત ઉનાળુ મગફળીના વાવેતરનો પણ ટાઈમ છે તેવા સમયે આ કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે અને બગસરાના પ્રખ્યાત ગામ ગણાતા રફાળામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યભરમાં આજથી બે થી ત્રણ દિવસ ગરમીના તાપમાનનો પારો ૨ થી ૩ ડિગ્રી જેટલો ઉંચકાશે અને ૪૨ ડિગ્રી જેટલો સામાન્ય પારો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.