વરસાદના કારણે 12500 ચો.મી. રસ્તાઓનું ધોવાણ, યુદ્ધના ધોરણે રસ્તા મરામતની કામગીરી શરૂ કરતું તંત્ર
ગત સોમવારે શહેરમાં પડેલા અનરાધાર વરસાદના કારણે સ્માર્ટ સિટીના રાજમાર્ગો પર ફૂટ-ફૂટના ખાડા પડી ગયા છે. વરૂણ દેવે અણધાર્યું હેતુ વરસાવતા શહેરના ત્રણેય ઝોનમાં 12500 ચો.મી. રસ્તાનું ધોવાણ થઈ ગયું છે.
મવડી વિસ્તાર
એક પણ રોડ એવો નથી ક્યાં જ્યાં ખાડા પડ્યા ન હોય. રાજકોટ જાણે ખાડાનગરમાં ફેરવાયું હોય તેવો અહેસાસ વાહન ચાલકો કરી રહ્યાં છે.
માધાપર ચોકડી
કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે નુકશાનગ્રસ્ત રસ્તાની મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.સોમવારે પડેલા ભારે વરસાદમાં શહેરમાં 6 નાળા, કલવટ અને બ્રિજને નુકશાની થઈ હતી. 5 સ્થળે મકાન અને કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થયા હતા.
શક્તિ સોસાયટી- નવાગામ
જ્યારે 12500 ચો.મી. રસ્તાનું ધોવાણ થયું છે.42 સ્થળે ભુગર્ભ અને સ્ટોર્મ ડ્રેનેજ વોટર લાઈનમાં નુકશાની થવા પામી છે. પાણીની લાઈન પમ્પીંગ મશીનરીને નુકશાન થવા પામ્યુ છે. શહેરના મોટાભાગના રસ્તા પર મહાકાય ખાડાઓ પડ્યા હોવાના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જવાહર રોડ
ગઈકાલે મેયર ડો.પ્રદિપ ડવે ત્રણેય ઝોનના સિટી ઈજનેરો સાથે એક તાકીદની બેઠક કરી મુખ્ય માર્ગો તેમજ સોસાયટીઓના અંદરના રસ્તાઓને જે નુકશાન થઈ છે તેનો સર્વે કરવા આદેશ આપ્યો હતો અને તાત્કાલીક અસરથી રસ્તાઓ મરામત કરવાની સુચના આપી દેવામાં આવી છે.
ઢેબર ચોક-ટાગોર માર્ગ
વરસાદના કારણે શહેરના મોટાભાગના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે.નુકશાનીનો આંક મોટો છે.માત્ર પેચવર્ક કે મેટલીંગ કરવામાં આવે તો પણ 1.25 કરોડનો ખર્ચ થાય તેવું છે. કોર્પોરેશન દ્વારા જુદા જુદા વોર્ડમાં રસ્તા મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ઈજનેર કચેરી રોડ – કોટેચા ચોક
પુનિતનગર 80 ફૂટ રોડ, વોર્ડ નં.11માં અલગ અલગ માર્ગો, રૈયા રોડ, સ્પીડવેલ રોડથી જેટકો ચોકડીવાળો રોડ, મોટી ટાંકી ચોક, નંદા હોલ, માલંદા કોઠારીયા રોડ, કુવાડવા રોડ, સ્વાતી પાર્ક, અમુલ સર્કલ, મેહુલ નગર, વિવેકાનંદ નગર, 80 ફૂટ રોડ, આજીડેમ ચોકડી, સોમનાથ સોસાયટી સહિતના વિસ્તારોના રસ્તા મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે સફાઈ કામગીરીની ઝુંબેશ હાથ ધરવા સુચના આપવામાં આવી છે.