અસહ્ય ઉકળાટ અને બફારામાં લોકોને પરસેવે નીતરાવ્યા બાદ બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં વરસી પડતાં ચોમેર ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટમાં બપોર બાદ આકાશ ગોરંભાયું હતું અને અચાનક ધમાધમ વરસાદ વરસી જતાં માર્ગો પાણી પાણી થઇ ગયા હતા અને એક ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. જિલ્લાના ગોંડલમાં અડધો અને જેતપુર તેમજ ધોરાજી, જસદણમાં હળવાભારે ઝાપટાં વરસી ગયા હતા. ગઈકાલે સૌરાષ્ટ્રભારમાં વરસાદી માહોલ છવાયેલ હતો તેવામાં અરબી સમુદ્રમાં ઇસ્ટ- સેન્ટ્રલ દિશામાં અને મહારાષ્ટ્રના નોર્થ ભાગમાં લો પ્રેશર અને સાઇક્લોનિક સક્ર્યુલેશન સજાર્યું છે અને તેની અસરના ભાગરુપે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અમરેલી ,ગીર સોમનાથ, ભાવનગર વલસાડ ,નવસારી જિલ્લામાં અમુક સ્થળોએ આજે ભારે વરસાદ પડશે આવતીકાલે વરસાદનો વ્યાપ વધશે અને પોરબંદર સહિતના જિલ્લાઆેમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.