રાજકોટમાં આજે મેઘરાજાએ જમાવટ કરી છે. રાજકોટ આખું જળબંબાકાર થયું છે ત્યારે વાવાઝોડા અને વરસાદની આગાહીને કારણે ૧૨ જૂલાઈ મંગળવારે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, રાજકોટ વાહન વ્યવહાર માટે છ રસ્તાઓ બંધ કરવાની યાદી જાહેર કરવામાં આવી છે. જે હેઠળ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ડેમ સાઈટ ખજૂરડી-ખોડાપીપર રોડ બંધ કરીને તેની અવેજીમાં એસ.એચ. ટુ દહીસરડા, આજી-૩ ડેમ ઉપરથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત એસ.એચ. ટુ રંગપર સરપદડ રોડ બંધ થતા સરપદડથી રંગપર રોડ તથા ન્યારી – ૨ ડેમ પર વૈકલ્પિક વ્યવસ્થાના કરવામાં આવી છે. નારણકા આણંદપર રોડની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે નારણકા એપ્રોચ રોડ તથા ખંઢેરી નારણકા ખાતે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એસ.એચ. ટુ ન્યારા ખંભાળા ઢોકળીયા રોડની અવેજીમાં એસ.એચ. ટુ ન્યારા રોડ, ખંભાળા, સરપદડ રોડ, સુવાગ ઢોકળીયા રોડ, ઈશ્વરીયા ઢોકળીયા રોડ પર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ તાલુકાના સરધાર, હરિપર, બાડપર, હોડથલી, દડવા રોડ બંધ જાહેર કરતા ખારચીયા-મકનપર-બાડપર રોડ પરથી વાહનોની અવર-જવર ચાલુ રહેશે. આ સાથે ફોફળ ડેમ ઓવરફલો થવાથી જેતપુર તાલુકાના લુણાગરી દુધીવદર રોડની અવેજીમાં મોટા ભાદરા, નાના ભાદરા, દુધીવદર રોડ પર પરિવહન કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રસ્તો ચાલુ થતાં સંભવિત ૧૦ દિવસ જેટલો સમય લાગી શકે છે.