હજુ આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી પ્રબળ શકયતા
પશ્ચિમ બંગાળના ભાગોમાં સતત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાજધાની કોલકાતામાં ઘણા નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા. હવામાન વિભાગે જોરશોરથી દક્ષિણ પશ્ચિમ ચોમાસા અને ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવને કારણે આગામી ત્રણ દિવસમાં વધુ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોલકાતામાં સવારે ૮:૩૦ વાગ્યા સુધી ૨૪ કલાકમાં ૧૪૪ મીમી વરસાદ નોંધાયો હતો.
મહાનગરના દક્ષિણ ભાગોમાં ઉત્તરીય ભાગ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે શેરીઓ અને બલીગંજ, સર્ક્યુલર રોડ, લાઉડન સ્ટ્રીટ, સધર્ન એવન્યુ અને કસબા, બેહાલા અને ટોલીગંજમાં ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા. રાજ્ય સરકાર દ્વારા મહાનગર અને અન્ય સ્થળોએ પ્રતિબંધોને આંશિક રીતે હળવો કરવા સાથે, લોકોને કામ પર જવું મુશ્કેલ થઈ રહ્યું હતું. લોકોને ઘૂંટણ સુધી ઉંડા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.
પાણી ભરાવાના કારણે વાહનો ધીમી ગતિએ ચાલતા હોવાથી કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૪ કલાકના સમયગાળા દરમિયાન દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં કેનિંગમાં ૧૭૮.૬ મીમી વરસાદ નોંધાયો છે, જે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ છે, જ્યારે બાંકુરામાં ૧૩૩.૨ મીમી વરસાદ નોંધાયો છે. ઉત્તર બંગાળમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પણ નોંધાયો હતો. દાર્જિલિંગમાં ૭૦ મીમીથી વધુ વરસાદ થયો છે.
હવામાનશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસમાં બંગાળના લગભગ તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની અપેક્ષા છે કારણ કે પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્રમાં દક્ષિણ -પશ્ચિમ ચોમાસુ તીવ્ર બન્યું છે અને આ વિસ્તારમાં ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે. હવામાન વિભાગે શનિવાર સુધી કોલકાતામાં વરસાદ અને વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે.