ધર્મેશ મહેતા, મહુવા, અબતકઃ દેશમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. ચોમાસુ હાલ દેશના સાઉથ ભાગમાં પહોંચ્યું છે જે આગામી 24 કલાકમાં મુંબઇ પહોંચી જશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે ગુજરાતમાં ચોમાસું પહોંચવામાં એક સપ્તાહનો સમય લાગી શકે છે. જો કે ચોમાસા પહેલા ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થઇ ચૂકી છે. રાજ્યમાં સતત અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ભાવનગરના મહુવામાં મેહુલયાની સવારી આવી પહોંચી હતી અને હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા તેમજ ગ્રામ્ય પંથકોમાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. બપોર બાદ આવેલા વાતાવરણમાં પલટાને કારણે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બપોર સુધી લોકોએ અસહ્ય ગરમી સહન કરવી પડી હતી ત્યારબાદ વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ITના નવા પોર્ટલમાં 24 કલાકમાં જ લોચો: નિર્મલા સિતારમણએ ટ્વિટર પર જ કંપનીની લીધી લેફ્ટ-રાઈટ
મહુવા તાલુકાના મોટાખુટવડા, બોરડી, કોજળી, વાઘનગર, કળસાર, કીકરીયા સહીત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યાં છે. અન્ય કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. વરસાદને કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દેશના હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ મધ્યમ રહેવાની આગાહી પણ કરી છે.