સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ૨૩.૧૩ કરોડ, વેસ્ટ ઝોનમાં ૧૯.૭૭ કરોડ અને ઈસ્ટ ઝોનમાં ૮.૦૭ કરોડની નુકસાની: સરકાર સમક્ષ ખોળો પાથરતું કોર્પોરેશન: શહેરીજનો નિશ્ચિત રહે રાજમાર્ગો ફરી ડામરથી મઢી દેવાશે: સ્ટે.ચેરમેન ઉદય કાનગડની ધરપત
શહેરમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં પડેલા ભારે વરસાદનાં કારણે રાજમાર્ગોને ૫૧ કરોડનું નુકસાન થવા પામ્યું છે. મહાપાલિકા દ્વારા ઝોન વાઈઝ નુકસાનીની યાદીનો રીપોર્ટ રાજય સરકાર સમક્ષ રજુ કરી દેવામાં આવ્યો છે. સરકારમાંથી સહાય મંજુર થતાની સાથે જ ફરી રાજમાર્ગોને ડામરથી મઢી દેવામાં આવશે તેવી જાહેરાત આજરોજ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા કરવામાં આવી છે.
તેઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને વરસાદથી શહેરનાં રોડ-રસ્તાને થયેલી નુકસાની સર્વે કરી રીપોર્ટ સરકારમાં રજુ કરવાનો આદેશ આપ્યો હતો જેના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજમાર્ગોને થયેલી વરસાદથી નુકસાનીનો રીપોર્ટ સરકારમાં રજુ કરી દેવામાં આવ્યો છે. શહેરનાં વેસ્ટ ઝોન એટલે કે ન્યુ રાજકોટમાં વરસાદથી રાજમાર્ગોને ૧૯.૭૭ કરોડની નુકસાની થવા પામી છે. ઈસ્ટ ઝોનમાં રાજમાર્ગોને ૮.૦૭ કરોડ અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ૨૩.૧૩ કરોડ રૂપિયાની નુકસાની થવા પામી છે. આ વર્ષે આજસુધીમાં શહેરમાં ૫૩ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. ટુંકમાં એક ઈંચ વરસાદે શહેરનાં રાજમાર્ગોને સરેરાશ ૧ કરોડની નુકસાની પહોંચાડી છે. રાજય સરકારમાં રીપોર્ટ રજુ કરી દેવામાં આવ્યો છે અને સરકારે પણ મહતમ ગ્રાન્ટ ફાળવવાની બાંહેધરી આપી છે જો સરકાર પુરતી ગ્રાન્ટ નહીં ફાળવે તો પણ મહાપાલિકા પોતાનાં ખર્ચે આગામી દિવાળી સુધીમાં તમામ રાજમાર્ગોને ફરી ડામરથી મઢી દેશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે માત્ર વરસાદનાં કારણે રાજમાર્ગોને નુકસાન થઈ હોય તેવું નથી શહેરમાં ડીઆઈ પાઈપલાઈન બિછાવવા માટે પણ રોડ ખોદવામાં આવ્યા હતા. પીજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલીંગ માટે, ગેસ કંપની દ્વારા અને મોબાઈલ કંપની દ્વારા પણ રાજમાર્ગોને ખોદવામાં આવ્યા હતા. સામાનય રીતે એક વખત મેટલીંગ કે મોરમ કર્યા બાદ એક ચોમાસું જવા દેવું પડતું હોય છે ત્યારબાદ પેવર કામ કરવામાં આવતું હોય છે. રાજકોટમાં ચોમાસાની સીઝન દરમિયાન થયેલા રાજમાર્ગોને ૫૧ કરોડનાં નુકસાનીનો રીપોર્ટ સરકારમાં રજુ કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ગ્રાન્ટ મંજુર થયા બાદ ટેન્ડર પ્રસિઘ્ધ કરી કામ મંજુર કરી કામ શરૂ કરી દેવામાં આવશે.
રાજકોટવાસીઓ સંપૂર્ણપણે નિશ્ર્ચિત રહે. અગાઉ જેવા સારા રસ્તા દિવાળી પહેલા બની જશે. અત્રે ઉલ્લેખનીય છેકે, વર્ષ ૨૦૧૭માં પડેલા ૫૩.૮૦ ઈંચ જેટલા વરસાદમાં પણ રાજકોટનાં રાજમાર્ગોને ૩૨ કરોડ રૂપિયાની માતબર નુકસાની થવા પામી હતી તે સમયે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગ્રાન્ટ ફાળવી હતી અને રાજકોટનાં રાજમાર્ગો ફરીથી ડામરથી મઢી દેવામાં આવ્યા હતા.