છેલ્લા બે દિવસથી વરસાદ વરસતા કઠોળનો પાક સંપૂર્ણ સાફ: એરંડા-મગફળીને પણ નુકશાન
છેલ્લા બે દિવસ દરમ્યાન સતત વરસી રહેલા મેધાએ નવરાત્રીની સાથે સાથે ખેડુતોના ઉભા મોલને પણ વ્યાપાક પ્રમાણમાં નુકશાની પહોચાડયું છે.
બે દિવસમાં સમગ્ર તાલુકામાં પાંચથી આઠ ઇંચ જેવો વરસાદ વરસી જતાં સતત પાણીની આવકને કારણે આ વિસ્તારના ત્રણેય ડેમોના દરવાજા ખોલતા તમામ નદી નાળા છલકાઇ જવા પામ્યા હતા.
નદી નાળામાં પાણીની આવકને કારણે ખેડુતોના ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયા છેલ્લા આઠ દિવસથી સુરજ દેવતાએ દર્શન નહી આપતા અને વરસાદ વરસવાને કારણે તમામ કઠોળના પાક નાશ પામ્યો છે. એરંડાને મગફળીના પાકે પણ વ્યાપાક નુકશાન થયું છે. હજુ વરસાદ ચાલુ રહેતો એરંડા અને મગફળીનો પાક પણ સંપૂર્ણ ફેલ થઇ જાય તેમ છે.
આ વર્ષે મેધરાજા મન મુકીને વરસી રહ્યા છે પણ નવરાત્રીમાં ખેલૈયાઓના ખેલની સાથે ખેડુતોના પાકને પણ નુકશાન થઇ રહ્યું છે.