૧૭૭૦ લોકોનું સ્થળાંતર: ખુદ મ્યુનિ.કમિશનર કેડસમા પાણીમાં ઉતર્યા

જંગલેશ્વર, ભવાનીનગર, રામનાથપરા, લલુડી વોંકળી સહિતના વિસ્તારોમાં મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના દલસુખ જાગાણી અને દંડક અજય પરમારની સ્થળ મુલાકાત: ફાયર બ્રિગેડના સ્ટાફ સાથે પોલીસ પણ નીચાણવાળા વિસ્તારમાં ખડેપગે

શહેરમાં છેલ્લા ૨ દિવસથી સતત વરસી રહેલા વરસાદ અને આજી ડેમ ઓવરફલો થવાના કારણે આજી નદીમાં પાણીની પુષ્કળ આવક થતાં નદી ગાંડીતૂર બની છે. ગઈકાલે રાતથી વરસાદનું જોર વધતાં આજી નદી બે કાંઠે વહેવા લાગી હતી. નદી કાંઠા વિસ્તારમાંથી આજે બપોર સુધીમાં ૧૭૭૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યાં આજે સવારથી મેયર અને મ્યુનિ. કમિશનર સહિતના પદાધિકારી, અધિકારીઓએ મુલાકાત લીધી હતી. ઉદિત અગ્રવાલ ખુદ કેડસમા પાણીમાં ઉતરી લોકોના ઘરે ગયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નદી કાંઠા વિસ્તારમાં ફાયર બ્રિગેડના સ્ટાફ સાથે પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યો છે.

રાજકોટમાં ગઈકાલ સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત આજી ડેમ પણ ઓવરફલો થતાં તેનું પાણી આજી નદીમાં આવી રહ્યું છે. આજી નદીમાં ભારે પુર આવવાના કારણે ગઈકાલે રાતથી લોકોને સલામત સ્થળે ખસી જવા માટે એલર્ટ કરવામાં આવ્યા હતા અને ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા સતત માઈક દ્વારા એનાઉસ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન ગઈકાલે મોડીરાત્રે વરસાદનું જોર વધતાં આજી નદી ગાંડીતૂર બની હતી. રામનાથ મહાદેવ મંદિર સતત ત્રીજી વખત વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આજે સવારે ૩ વાગ્યાથી ફાયરબ્રિગેડ દ્વારા આજી નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ સવારે નીચાણવાળા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાયા હતા ત્યાં દોડી ગયા હતા. જંગલેશ્ર્વરમાં એકતા સોસાયટી સહિત અલગ અલગ વિસ્તારમાંથી આશરે ૭૦૦ લોકોનું, રામનાથ પરા અને ભવાનીનગરમાં ૧૦૦૦ લોકોનું અને ભગવતીપરા અને રૂખડીયાપરામાંથી ૭૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ લોકોને શાળા નં.૭૦, ૪૩,૧૦૦, મુસ્લીમ જમાત ખાના અને રામનાથપરામાં આવેલ રજપૂત સમાજની વાડીમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મધ્યાહન ભોજન કેન્દ્ર મારફત લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

vlcsnap 2020 08 24 13h22m49s164

સ્થળાંતરની કામગીરી દરમિયાન એક વાત ઉઠીને આંખે વળગી હતી કે, ખુદ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ આજે સવારે ફિલ્ડમાં ઉતર્યા હતા અને જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યાં રેઈનકોટ પહેરી ખુદ કેડસમા પાણીમાં જઈ લોકોના ઘરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. એક તબક્કે ફાયર બ્રિગેડના સ્ટાફે ઉદિત અગ્રવાલે આવું જોખમ ન લેવા તાકીદ કરી હતી. છતાં ઉદિત અગ્રવાલે લોકોની પરિસ્થિતિથી વાકેફ થવા માટે સતત પાણીમાં ઉતરવાનું ચાલુ રાખ્યું હતું. દરમિયાન આજી નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ફાયરબ્રિગેડના સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યો છે. મેયર અને મ્યુનિ.કમિશનરે ન્યારી ડેમની પણ મુલાકાત લીધી હતી. દરમિયાન ડેમના ચાર દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા તાકીદ કરી હતી.

જરૂર વગર બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારથી દૂર રહેવા મ્યુ. કમિ.ની અપીલ

IMG 20200824 WA0032

આ તકે જણાવ્યુ હતુ કે નીચાણવાળા વિસ્તારોથી લોકો દૂર રહે, જરૂર ન હોય તો લોકોએ ઘરથી બહાર પણ ન નીકળવુ તેમજ ડેમની સાઇટ જોવા પણ ન ઉમટવા લોકોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૦૦૦થી વધુ અસરગ્રસ્ત લોકોને સરકારી શાળા નં.૭૦માં સ્થળાંતરિત કરાયા છે. અને હજુ પણ લોકોને સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. લોકોને ભયંકર અતિવૃષ્ટિથી પરેશાન થવુ ન પડે તે માટે અધિકારીઓ પદાધિકારીઓએ જાત નિરિક્ષણ કર્યુ હતુ.

‘મારો દિકરો આવ્યો છે હવે બધુ સારૂ થઇ જશે’

Screenshot 1 25

જંગલેશ્વરના નિચાણવાળા  અસરગ્રસ્ત વિસ્તારમાં જયારે મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક વૃઘ્ધાએ કમિશ્નરને પોતાના ઘરની મુલાકાત લઇ હાલત જોવા વિનંતી કરી હતી. આ વિનંતીથી કમિશ્નરે ગોઠણડુબ પાણીમાં લાકડીના સહારે તેના ઘરની મુલાકાત કરી હતી. આ મુલાકાત વેળાએ વૃઘ્ધાએ જણાવ્યું હતું કે ‘હવે મારો દિકરો આવ્યો બધુ સારું થઇ જશે’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.