આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકાઓમાં મેઘમહેર: સૌથી વધુ નવસારી-વલસાડમાં દોઢ ઈંચ વરસાદ
ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે એવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે. જેથી આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આ સિવાય હવામાન વિભાગે એવા પણ સંકેતો વ્યક્ત કર્યા છે કે, અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે. સાથે જ ગુરુવારથી નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જેથી ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 27 તાલુકાઓમાં મેઘમહેર થઇ છે. જેમાં સુધી વધુ વરસાદ નવસારીમાં 40મિમિ, કપરાડામાં 38મિમિ અને છોટાઉદયપુરમાં 33મિમિ વરસાદ નોંધાયો હતો.
રાહત કમિશનર હર્ષદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે,આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ,નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ 5ડવાની સંભાવના છે.
સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 3,16,384 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 94.70% છે. રાજ્યનાં 206 જળાશયોમાં 4,53,594 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 81.26% છે. હાલમાં રાજ્યમાં કુલ 102 જળાશય હાઇ એલર્ટ 5ર, કુલ 23 જળાશય એલર્ટ 5ર તેમજ 11 જળાશય વોર્નીગ 5ર છે.
કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું કે, ચાલુ વર્ષે 5 સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત 83,23,220 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષના સમયગાળા દરમ્યાન 81,55,220 હેક્ટર વાવેતર થયુ હતુ. રાજ્યમાં હાલ એનડીઆરએફ ની 3 ટીમ ડીપ્લોય કરાઈ છે, જેમાં કચ્છ-1, નવસારી-1, રાજકોટ-1 એનડીઆરએફ ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં 2 અને વડોદરામાં 10 એમ કુલ-12 ટીમ રીઝર્વ રખાઈ છે. તે સિવાય રાજ્યમાં એસડીઆરએફ કુલ 11 પ્લાટુન રીઝર્વ છે.