- છેલ્લા 24 કલાકમાં રાજ્યના 105 તાલુકોમાં મેઘમહેર: સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઈંચ, સુરતના ઉમરપાડામાં 3 ઈંચ, વ્યારા-ડેડિયાપાડામાં 2 ઈંચ વરસાદ
- સૌરાષ્ટ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ ખમૈયા કર્યા હતા. પરંતુ મેઘરાજાએ ફરીવાર રાજ્યમાં એન્ટ્રી મારી દીધી છે. એટલે કે હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક જિલ્લાઓને મેઘરાજા ફરીવાર ધમરોળશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજથી સોમવાર સુધી
ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની વકી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. જેના પગલે માછીમારોને આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી છે. આ સિવાય ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના કેટલાંક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે.
આ ઉપરાંત વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં 13 તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદ થશે. એ સિવાય ડાંગ, નર્મદા અને ભરૂચને પણ મેઘરાજા ધમરોળશે. બંગાળમાં લો પ્રેશર થવાના કારણે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા પણ એક આગાહી કરાઈ છે. જેમાં જણાવ્યું છે કે, આજે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. જેમાં રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, ભાવનગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદની થવાની સંભાવના છે.
જુનાગઢ શહેરમાં પણ કાલે રાત્રે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. અસહ્ય બફારા બાદ શહેરમાં કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 103.21 ટકા વરસાદ વરસી ગયો છે. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં 157.20 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 110.71 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 84.24 ટકા, સૌરાષ્ટ્રમાં 91.15 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 113.07 ટકા વરસાદ પડ્યો છે.
- ભાદર અને આજી સહિત 18 જળાશયોની સપાટીમાં વધારો
- ભાદર છલકાવામાં બે, આજી ઓવરફ્લો થવામાં દોઢ ફૂટ જ બાકી
સૌરાષ્ટ્રમાં શુક્રવારે હળવા ઝાપટાથી લઇ સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. છલકાતા નદી અને નાળાના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઇ રહી છે. ભાદર અને આજી સહિત 18 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. ભાદર ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 2.10 ફૂટ જ્યારે આજી-1 ડેમ ઓવરફ્લો થવામાં 1.60 ફૂટ પાણીની આવક થવા પામી છે.
રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર-1 ડેમમાં નવુ 0.13 ફૂટ પાણીની આવક થવા પામી છે. 34 ફૂટે ઓવરફ્લો થતા ભાદરની સપાટી 31.90 ફૂટે પહોંચી જવા પામી છે.
ડેમમાં 565.5 એમસીએફટી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત આજી-1 ડેમમાં 0.16 ફૂટ, આજી-2 ડેમમાં 0.33 ફૂટ, કરમાળમાં 0.33 ફૂટ, મચ્છુ-1માં 0.07 ફુટ, મચ્છુ-2 ડેમમાં 0.16 ફૂટ, ડેમી-1 ડેમમાં 0.20 ફૂટ, મચ્છુ-3 ડેમમાં 0.20 ફૂટ, સસોઇમાં 0.07 ફૂટ, ફૂલસર-1માં 0.03 ફૂટ, ઉંડ-1 ડેમમાં 0.07 ફૂટ, વર્તુ-2 ડેમમાં 0.16 ફૂટ, વેરાડી-1 ડેમમાં 0.95 ફૂટ, વેરાડી-2માં 0.49 ફૂટ, મીણસાર (વાનાવડ)માં 0.16 ફૂટ, ફલકુ ડેમમાં 0.33 ફૂટ, લીંબડી ભોગાવો-2 (વડોદ)માં 0.33 ફૂટ અને સાકરોલી ડેમમાં નવુ 0.20 ફૂટ પાણી આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ
જિલ્લો તાલુકો વરસાદ
દ્વારકા કલ્યાણપુર 4 ઇંચ
સુરત ઉંમરપાડા 3 ઇંચ
નર્મદા ડેડીયાપાડા 2.5 ઇંચ
જૂનાગઢ કેશોદ 2 ઇંચ
જૂનાગઢ વિસાવદર 2 ઇંચ
દ્વારકા ભાણવડ 2 ઇંચ
પોરબંદર કુતિયાણા 2 ઇંચ
ભાવનગર ભાવનગર 1 ઇંચ
બોટાદ બોટાદ 1 ઇંચ
પોરબંદર પોરબંદર 1 ઇંચ
જામનગર કાલાવડ 1 ઇંચ
રાજકોટ જામકંડોરણા 1 ઇંચ
જામનગર જામજોધપુર 1 ઇંચ