રવિવારે અને સોમવારે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડશે: અમૂક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ આગાહી
અબતક,રાજકોટ
છતીસગઢમાં સર્જાયેલા સાયકલોનિક સરકયુલેશન અને બંગાળની ખાડીમાં ઉદભવેલા લો-પ્રેશરની અસર તળે આગામી રવિવાર તથા સોમવારે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં સાર્વત્રીક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજ બપોર બાદ સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ જશે આવતીકાલથી વરસાદનું જોર અને વિસ્તાર વધશે આજે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
છતીસગઢમાં સર્જાયેલું સાયકલોનીક સરકયુલેશન મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. જયારે બંગાળની ખાડીમાં નવુ લો-પ્રેશર ઉદભવ્યું છે. ગુજરાતમાં એકિટવ મોનસુન છે જયારે મોનસુન રૂફ નોર્મલ પોઝીશનથી દક્ષીણ તરફ હોય રાજયમાં આગામી રવિવાર અને સોમવારે મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમૂક છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પણ વરસી શકે છે. આજે નવસારી, વલસાડ, દમણદાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે જયારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગરમાં મધ્યમથી ભારે જયારે અન્ન વિસ્તારોમાં હળવો વરસાદ પડશે.
આવતીકાલે બનાસકાંઠા, પાટણ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિભારે, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દિવમાં ભારે જયારે સોમવારે નવસારી, વલસાડ, દમણદાદરાનગર હવેલી, અમરેલીમાં ભારે, આણંદ, વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને દિવમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. મંગળવારે પણ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજયના 78 તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમી દ્વારકા જિલ્લાના કલ્યાણપૂરમાં ચાર ઈંચ, દ્વારકામાં સાડા ત્રણ ઈંચ, સુરતમાં 3 ઈંચ, ચિપલીમાં અઢી ઈંચ વરસાદ વરસી ગયો છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.