શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ રમેશભાઇ ટીલાળા, ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ ભાજપના નેતાઓને મળ્યાની ચર્ચા
ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબકકા માટે 1 ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન માટે આજે ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ જવા પામી છે. ઉમેદવારો નકકી કરવા માટે ભાજપ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી પાર્લામેન્ટરી બોર્ડમાં મહા મનોમંથન ચાલી રહ્યું છે. દરમિયાન 70- રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર કમળના પ્રતિક પરથી ચૂંટણી લડવા દાવેદારો દ્વારા જોરદાર લોબીંગ શરુ કરી દેવામાં આવ્યું છ. આ બેઠક પરથી છેલ્લી ત્રણ ટર્મથી જીતનાર ગોવિંદભાઇ પટેલની ટિકીટ કપાય તેવા સંકેતો મળી રહ્યા છે. ત્યારે આ બેઠક પરથી ચુંટણી લડવા માટે દાવેદારોએ એડી ચોટીનું જોર લગાવવાનું શરુ કરી દીધું છે.
પાર્લામેન્ટરી બોર્ડના પ્રથમ દિવસે રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક માટે ચાર નામોની પેનલ બનાવવામાં આવી હતી. તેમાં સિટીંગ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ ઉપરાંત ડો. ધનસુખભાઇ ભંડેરી, ડો. ભરત બોધરા અને વિનુભાઇ ઘવાના નામની પેનલ બની છે. દાવેદારી કરવા છતાં પેનલમાં પોતાનું નામ ન મૂકાતા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ રમેશભાઇ ટીલાળા ગઇકાલે સાંજે ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલને સાથે રાખી અમદાવાદ પહોંચી ગયા હતા. તેઓ ભાજપના કેટલાંક ટોચના નેતાઓન પણ મળ્યા હોવાની ચર્ચા થઇ રહી છે.
ચૂંંટણી પ્રચાર માટે ઉમેદવારો તથા રાજકીય પક્ષો ને ખુબ જ ઓછો સમય મળશે. જેના કારણે સીટીંગ ધારાસભ્યોની ટિકીટ કાંપવાનું જોખમ સત્તાધારી પક્ષ ભાજપ સહિતના અન્ય કોઇ પક્ષો ઉઠાવે તેવી શકયતા તદ્દન નહિવત જણાય રહી છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના પ્રથમ દિવસે જ ભાજપ દ્વારા રાજકોટ શહેરનો વારો લેવામાં આવ્યો હતો. જેમાં દક્ષિણ વિધાનસભા બેઠક માટે ચારનામોની પેનલ બનાવવામાં આવી છે. ધારાસભ્ય ગોવિંંદભાઇ પટેલનું નામ આ પેનલમાં ટોચના ક્રમે હોવા છતાં તેઓ ત્રણ ટર્મથી ધારાસભ્ય છે અને ઉંમર પણ મોટી હોવાના કારણે તેઓની ટિકીટ પર કાતર ફેરવી દેવામાં આવે તેવી સંભાવના પ્રબળ બની જવા પામી છે. રાજકોટ દક્ષિણ બેઠક માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે શિવલાલભાઇ બારસીયા અને કોંગ્રેસ હિતેશભાઇ વોરાના નામની ઘોષણા કરી દીધી છે. બન્ને પાર્ટીઓએ પાટીદાર સમાજને ટિકીટ ફાળવી હોવાના કારણે ભાજપ પણ દક્ષિણ બેઠક પર હવે ઓબીસી સમાજને ટિકીટ આપે તેની તમામ શકયતાઓ પર પૂર્ણ વિરામ મૂકાય ગયું છે.
ભાજપે આ બેઠક પાટીદાર સમાજ ટિકીટ આપવાનું મન બનાવી લીધું છે અને ગોવિંદભાઇ પટેલની ટિકીટ કંપાતી હોવાનું ફાઇનલ મનાય રહ્યું છે. આવામાં હવે દક્ષિણ બેઠક પરથી કમળના પ્રતિક પર ચૂંટણી લડવા જોરદાર લોબીંગ શરુ થઇ ગયું છે.
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સાથે પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો. ભરત બોધરા સારો દરોબો ધરાવે છ. તેઓને પ્રબળ દાવેદારો માનવામાં આવે છે. બીજી તરફ જો રાજકોટની ચારેય બેઠકો માટે ઉમેદવારો નકકી કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને વિશ્ર્વાસમાં લેશે તો ડો. ધનસુખ ભંડેરીની દાવેદારી મજબૂત બની જશે દક્ષિણ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. પાટીદારને ટિકીટ મળશે તે વાત ફાઇનલ થતાની સાથે જ લોબીંગ શરુ થઇ ગયું છે.
રમેશભાઇ ટીલાળા ગઇકાલે સાંજે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલને સાથે રાખી પ્લેનમાં અમદાવાદ પહોચી ગયા હતા. તેઓ ભાજપના કેટલાક મોટા માથાને મળ્યા હોવાની વાતો પણ ચર્ચાય રહી છે. આવતા સપ્તાહે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવનાર છે. દરમિયાન આવતીકાલે પ્રદેશ ભાજપ દ્વારા દિલ્હી દરબારમાં હાઇકમાન્ડ સમક્ષ ઉમેદવારોના નામની પેનલો રજુ કરી દેવામાં આવશે. નામ દિલ્હીથી જાહેર થશે. જે નામો પેનલમાં મૂકવામાં આવ્યા નથી. તે નામો પણ ઉમેદવારોની નામની યાદીમાં આવી શકે તેમ છે.