રાજકોટમા: વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝીબિલિટી માત્ર ર00 મીટર
મુંબઇની ફલાઇટે આકાશમાં પાંચ ચકકર લગાવ્યા બાદ અમદાવાદ ડાયવર્ડ કરાઇ આવતીકાલે પણ ઝાંકળ વર્ષાની સંભાવના: રોડ ભીના થઇ ગયા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારે જોરદાર ઝાંકળ વર્ષા થવા પામી હતી. ર00 મીટર દુરનું કશું દેખાતું ન હતું.
ગાઢ ધુમ્મસના કારણે હવાઇ સેવા ખોરવાઇ જવા પામી હતી. મુંબઇ અને દિલ્હીથી આવતી ફલાઇટ તાત્કાલીક અસરથી અમદાવાદ ખાતે ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. જો કે આકાશમાંથી ઝાંકળનું આવરણ હટતાની સાથે બન્ને ફલાઇટનું રાજકોટમાં આગમન થયું હતું. નિર્ધારિત સમય કરતા ત્રણ કલાક મોડી ફલાઇટ આવતા મુસાફરો અકળાય ગયા હતા.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટવન્સની અસર તળે આજે સવારે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં જોરદાર ઝાંકળ વર્ષા થવા પામી હતી. વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી માત્ર ર00 મીટર રહેવા પામી હતી. અર્થાત 200 મીટર દુરનું કશું જ દેખાતું ન હતું. ઝાંકળ વર્ષાના કારણે વહેલી સવારે મુંબઇથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની ફલાઇટે આકાશમાં પાંચ ચકકર લગાવ્યા બાદ અપુરતી વિઝીબિલિટીના કારણે રાજકોટમાં ઉતરાણ કરી શકી ન હતી અને અમદાવાદ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
આજ ઉપરાંત સવારે 7.55 કલાકે દિલ્હીથી રાજકોટ આવતી સ્પાઇસ જેટની ફલાઇટને પણ અમદાવાદ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. સવારે રાજકોટમાં આવતી મુંબઇ અને દિલ્હીની ફલાઇટને ગાઢ ધુમ્મસના કારણે અમદાવાદ ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે આકાશ કિલીયર થતાં બન્ને ફલાઇટનું રાજકોટમાં આગમન થયું હતું. નિર્ધારિત સમય કરતાં ત્રણ કલાક મોડુ ફલાઇટનું રાજકોટ ખાતે આગમન થતા મુસાફરો અકળાય ગયા હતા.
ધુમ્મસના કારણે શહેરમાં ઠંડીનો પારો ઉચકાયો હતો આજે રાજકોટનું લધુતમ તાપમાન 16.6 ડીગ્રીએ પહોંચી ગયું હતું. એક દિવસમાં તાપમાનનો પારો ચાર ડિગ્રીથી વધુ ઉંચકાયો હતો. સવારે 8.30 કલાકે તાપમાન 19.2 ડીગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા અને પવનની સરેરાશ ઝડપી પ કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે થતી ઝાંકળ વર્ષાની અસર બે દિવસ રહેતી હોય છે આવતીકાલે પણ ઝાંકળ વર્ષાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં ગાઢ ધુમ્મસનું આવરણ આકાશમાં છવાયું હતું.