• એકતરફ અનુસૂચિત જાતિ દ્વારા રેલી અને સંમેલન અને બીજી બાજુ વેપારી મંડળનું સજ્જડ બંધનું થતાં સ્થિતિ ભારે તંગદિલ

જૂનાગઢ શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના બનાવમાં પોલીસે ગુનો નોંધ્યા બાદ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સહીત 8 શખ્સોની ધરપકડ કરી લીધા બાદ હવે આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક, ગુનાહિત કાવતરાની કલમનો ઉમેરો, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સહીતની માંગણી સાથે આજે સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી પ્રતિકાર રેલી અને મહાસંમલેનની જાહેરાતના પગલે આખુ ગોંડલ શહેર આજે પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયું છે. એકતરફ અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા રેલી અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને બીજી બાજુ ગણેશ ગોંડલના સમર્થનમાં આજે માર્કેટીંગ યાર્ડ વેપારી મંડળથી માંડી 84 ગામ ગામડાઓ બંધ પાળી રહ્યા છે ત્યારે ગોંડલમાં આજે ભારેલો અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઇ છે.

સમગ્ર ઘટનાક્રમની જો વાત કરવામાં આવે તો પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર ગત તા. 30મેની રાત્રે વાહન વ્યવસ્થિત ચલાવવા બાબતે જૂનાગઢ શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી ભેંસાણ ચોકડી પાસે છોડી મુકાયો હતો. જે બાદ 31મેના રોજ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત 10 જેટલા શખ્સો સામે ફરીયાદ નોંધાઈ, આરોપીઓ વિરૂધ્ધ આઈપીસીની કલમ 307, એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધાયો હતો. જે બાદ 1 જૂનના રોજ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના આગેવાનોએ જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપીને એક અઠવાડીયામાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સંજય સોલંકીના પિતા રાજુભાઈ સોલંકીએ પરિવાર સાથે આત્મવિલોપન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. 3 જૂનના રોજ અતુલ કઠેરીયા, ફૈઝલ પરમાર અને ઈકબાલ ગોગદા નામના આરોપી ગુન્હામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની કાર સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. 5 જૂને ફરિયાદમાં દર્શાવેલ મુખ્ય આરોપી ગણેશ જાડેજા સહીત 8 લોકોને ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યા હતા અને ક્રાઈમ બ્રાન્ચ ખાતે જ ગણેશ જાડેજા ની પૂછપરછ કરવામાં આવી હતી. 6 જૂન સવારે આવેદનપત્ર અનુસાર અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના સમર્થનમાં દલિત સમાજના લોકો કાળવા ચોકમાં એકત્રિત થયા હતા જ્યાં રાજુભાઈ સોલંકી પરિવાર સાથે આત્મવિલોપન કરવાના હતા પરંતુ તે અગાઉ ગણેશ જાડેજાની અટકાયત થઈ ગઈ હતી એટલે આત્મવિલોપનનો કાર્યક્રમ રદ્દ કરાયો હતો.આ જ દિવસે 12 જૂનના રોજ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો કાળવા ચોકમાં એકત્રિત થઈ જૂનાગઢથી ગોંડલ સુધી રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

6 જૂને બપોરના સમયે ગણેશ જાડેજા સહીતના 8 શખ્સોને પોલીસે ઝડપી લીધા બાદ પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી તેમજ ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલી બે કાર, બે મોબાઇલ સહીતનો મુદ્દામાલ કબજે કરાયો કરાયો હતો. આ મામલે એસપી હર્ષદ મહેતા દ્વારા ડીવાયએસપી સહીતના ચાર અધિકારીઓની સીટની રચના કરવામાં આવી હતી. 6 જૂન સાંજે

તમામ 8 આરોપીઓને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પણ ગણેશ જાડેજા સહિત તમામ આરોપીઓના રિમાન્ડ કોર્ટે નામંજૂર કરતા તમામ આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.

હવે આજે જયારે જૂનાગઢથી પ્રતિકાર રેલીની શરૂઆત કરવામાં આવી છે ત્યારે રેલીની શરૂઆતમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને રેલીની શરૂઆત કરવામાં આવી હતી. રેલીની શરૂઆતમાં 200 જેટલાં બાઈક અને આશરે 500 જેટલાં લોકો હાજર હતા અને હજુ આગળથી મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવું આગેવાનો જણાવી રહ્યા હતા. આ રેલી જૂનાગઢથી ગોંડલ જનાર છે અને ત્યારબાદ સંમેલન યોજવામાં આવનાર છે.

બીજી બાજુ ગણેશ ગોંડલના સમર્થનમાં ગોંડલ તાલુકાના 84 ગામડાઓમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને વેપારી મંડળ પણ બંધમાં જોડાયા છે.

ગોંડલમાં ડીવાયએસપી, 11 પીઆઈ, 34 પીએસઆઈ સહિત 600 પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત

એકતરફ ગોંડલમાં જ્યાં રેલી અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને બીજી બાજુ ગણેશ ગોંડલના સમર્થનમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે ગોંડલમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ પર કાબુ મેળવવા શહેરમાં 1 ડીવાયએસપી, 11 પીઆઈ, 34 પીએસઆઈ, 4 ઘોડેસવાર પોલીસ, 400 પોલીસ કર્મચારીઓ, 12 ટીઆરબી જવાન, 95 હોમગાર્ડ સહીત કુલ 600 જેટલાં પોલીસ અધિકારી-કર્મચારીઓનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

‘ગણેશ’ના સમર્થનમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડ, બજારો સહિત 84 ગામ સજ્જડ બંધ

ગોંડલ ખાતે આજે જયારે દલિત સમાજની રેલી અને સંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે ગણેશ ગોંડલના સમર્થનમાં ગોંડલ તાલુકાના 84 ગામોમાં સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ઉપરાંત ગોંડલ માર્કેટીંગ યાર્ડના વેપારી મંડળ તેમજ સ્થાનિક બજારના વેપારીઓ દ્વારા પણ બંધનું એલાન આપવામાં આવ્યય હતું. જેના પગલે ગોંડલ પંથકના મોટા ગામડા દેરડી, સુલતાનપૂર, કોલીથડ સહિતના ગામડાઓ સજ્જડ બંધ રહ્યા હતા. આ અંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગરે જણાવ્યું છે કે, ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશભાઈ મુશ્કેલીની વેળામાં પ્રજાની પડખે ઉભા રહેતા આવ્યા છે ત્યારે આજે જયારે ગીતાબાના પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે તેમના સમર્થનમાં તમામ ગામડાઓ સ્વૈચ્છિક બંધ પાળી રહ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.