હવામાન વિભાગની આગાહીના પગલે ખેડુતનું વાવેતર નિષ્ફળ જતા ખેડુતે નોંધાવી ફરિયાદ
બિયારણ અને જંતુનાશક દવાના વેપારીઓની પણ હવામાન વિભાગ સાથે સાંઠગાંઠનો આરોપ
બોલીવુડ ફિલ્મ ‘ઓએમજી’માં એકટ ઓફ ગોડની યાદ અપાવે તેવા એક કિસ્સામાં મરાઠાવાડના ખેડુતે ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ વિરૂઘ્ધ ખોટી આગાહી કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. આ ખેડુતે હવામાન વિભાગની આગાહી મુજબ વાવેતર કર્યું હતું પરંતુ વરસાદ ન વરસતા તેનો પાક નિષ્ફળ જતા આ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટ્રના પ્રભાણી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મણીકદમ નામના ખેડુતે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાવણી કરી હતી પરંતુ આગાહી મુજબ વરસાદ ન વરસતા તેનો પાક નિષ્ફળ જતા ભારતીય બંધારણની કલમ ૪૨૦ મુજબ ઈન્ડિયા મેટ્રોલીકલ વિભાગના પુના અને મુંબઈના ડાયરેકટરો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગત જુન માસમાં મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પણ આવી જ ફરિયાદ ઈન્ડિયન મેટ્રોલોજીકલ વિભાગના અધિકારીઓ વિરૂઘ્ધ નોંધાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મરાઠાવાડના આ ખેડુત દ્વારા નોંધાવાયેલી આ ફરિયાદમાં ઈન્ડિયન મેટ્રોલોજીકલ વિભાગ એટલે કે હવામાન વિભાગની સાથો સાથ જંતુનાશક દવાઓ અને બિયારણ વહેંચતા વેપારીઓ અને કંપનીઓને પણ આરોપી ગણવા ફરિયાદમાં જણાવાયું છે. કારણકે હવામાન વિભાગ સાથે સાંઠગાંઠ કરી જંતુનાશક દવાના વેપારીઓ ખેડુતોને લુંટી રહ્યા છે.
દરમિયાન ખેડુતે નોંધાવેલી આ ફરિયાદમાં જણાવાયું હતું કે, હવામાન વિભાગની આગાહી મુજબ તેણે પોતાના ખેતરમાં ખરીફ સીઝનનું વાવેતર કર્યું હતું પરંતુ આગાહી મુજબ વરસાદ ન વરસતા હાલ ખેડુતની હાલત દયનીય બની છે અને દવા, બિયારણ, ખાતર સહિતના જથ્થાનો ખર્ચ માથે પડયો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
આમ ખોટી આગાહીને લઈને હવામાન વિભાગ વિરૂઘ્ધ મરાઠાવાડના ખેડુતે ફરિયાદ નોંધાવાતા આ પોલીસ ફરિયાદ ચર્ચાનો વિષય બની છે.