ઉડી… ઉડી જાય ઉડી… ઉડી જાય દિલ કી પતંગ દેખો ઉડી… ઉડી… જાય
16 દેશોના 41 અને ગુજરાત સહિત 8 રાજયોના 99 પતંગ વીરોએ કાંડાનું કૌવત બતાવ્યું: મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા
ગુજરાત સરકાર દ્વારા રાજયના અલગ અલગ 10 શહેરોમાં આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરમાં યાજ્ઞીક રોડ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે સવારથી પતંગોત્સવનો આરંભ થયો છે 16 દેશના 41 અને ગુજરાત સહિત 8 રાજયોમાં 99 પતંગવીરોઅ પોતાના કાંડાનું કૌવત બતાવ્યું હતું. પતંગોત્સવને માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા.
રાજકોટમાં આજે સવારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરિયા દ્વારા આંતર રાષ્ટ્રીય પતંગોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ વખતે પતંગોત્સવ જી-ર0 સમિટની થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે. ઇન્ડોનેશિયા, મલેશિયા, પોલેન્ડ, નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા સહિતના 16 દેશોના 41 પતંગ વીરોએ આજે રાજકોટવાસીઓને પોતાની પતંગ ઉડાડવાની અદભુત કલાના દર્શન કરાવ્યા હતા આ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, સિકિકમ, મઘ્ય પ્રદેશ, પોંડીચેરી, તેલંગણા, કર્ણાટક અને ઓડિસ્સાના સહિત 18 રાજયોના 99 પતંગ બાજો પણ રાજકોટમાં આંતર રાષ્ટ્રીય પતંગોત્સવમાં ઉત્સાહભેર સામેલ થયા હતા.
View this post on Instagram
પતંગોત્સવ ને માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા. ડી.જે.ની રમઝટ સાથે ભૂલકાઓથી માંડી વડીલો ઝુમી ઉઠયા હતા. રાજકોટના આંકાશમાં અવનવી પતંગો માણી શહેરીજનો રોમાંચિત થઇ ગયા હતા. આ તકે મેયર ડો. પ્રદિપ ડવ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ,, ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ગુજરાત પ્રવાસન વિભાગના કમિશનર આલોકકુમાર પાંડે ઉ5સ્થિત રહ્યા હતા.
વિદેશી પતંગ બાજો ગરબે પણ ઘુમ્યા
રાજકોટમાં આજે આંતર રાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં 16 દેશના 41 પતંગબાજોએ ભાગ લીધો હતો. પતંગોત્સવના આરંભ પૂર્વ વિદેશી પતંગબાજો રાજકોટની જનતા સાથે સ્થળ પર ગરબે ઘુમ્યા હતા. પતંગની સાથે ગરબા પણ ગુજરાતની શાન ગણવામાં આવે છે. ડિજેની જમાવટમાં જયારે ગરબાના ગીતો વાગ્યા ત્યારે વિદેશી પતંગબાજો પણ પોતાના પગને થીરકતા અટકાવી શકયા ન હતા. પતંગોત્સવમાં ભારે જમાવટ જોવા મળી હતી.
ગુજરાતમાં મકર સંક્રાતિના પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતની ગરીમા સમાન આ તહેવારને વિશ્ર્વસ્તરે લઇ જવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજે રાજકોટ ખાતે કોર્પોરેશન અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો. જેમાં રાજકોટવાસીઓએ મન ભરીને આનંદ લૂંટ્યો હતો. દેશ-વિદેશના 140થી વધુ પતંગવીરો સામેલ થયા હતાં. રાસ-ગરબા અને ડી.જે.ની રમઝટ સાથે સ્થાનિક નાગરિકોની સંગાથે વિદેશી પતંગબાજો પણ ઝુમી ઉઠ્યા હતાં. વિદેશથી આવેલા મહેમાનોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આભમાં જાણે રંગબેરંગી પતંગોની રંગોળી પૂરાઇ હોય તેવો અદ્ભૂત માહોલ જોવા મળ્યો હતો.
ભારતીય સંસ્કૃતિ અને પતંગ મહોત્સવને પ્રેમ કરું છું:બારબરા
પોલેન્ડના વિદેશી પતંગબાજ બારબરાએ જણાવ્યું કે પતંગ મહોત્સવમાં તેઓનો ઉત્સાહ સાતમા આસમાને છે.દર વર્ષે તેઓ આની આતુરતાથી રાહ જોતા હોય છે.
અમારી માટે ગર્વની વાત છે કે અમે આ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લઈએ છીએ.પતંગ મહોત્સવ અને ભારત બંનેથી અમને ખૂબ પ્રેમ છે.ડેલ્ટા કોબ્રા તેમજ એક જ લાઈનમાં પતંગ આકાશમાં ચગાવા ઉત્સાહમાં છું.