સ્પાઈસ જેટ, ઈન્ડિગો, ગોએર, એર ઈન્ડિયા સહિતની કંપનીઓને નુકશાન
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા કોલ્ડવોરનાં પગલે જયારે ભારતીય વાયુ સેના દ્વારા બાલાકોટ ખાતે એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી ત્યારબાદ પાકિસ્તાન દ્વારા તેની હવાઈ સરહદનાં હવાઈ રૂટ બંધ કરતાં ભારતની એર લાઈન્સ કંપનીઓને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય કંપની એર ઈન્ડિયા ૨જી જુલાઈ સુધી ૪૯૧ કરોડની નુકસાની વેઠી છે તેમ સિવીલ એવીયેશન મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ આ અંગે રાજયસભામાં માહિતી આપી હતી.
પ્રાઈવેટ એર લાઈન્સ જેવી કે સ્પાઈસ જેટ, ઈન્ડિગો અને ગોએરે કુલ ૫૭ કરોડ જેટલી નુકસાનીનો સામનો કરવો પડયો છે. પાકિસ્તાન દ્વારા તેઓની હવાઈ સરહદ બાલાકોટ સ્ટ્રાઈક એટલે કે ૨૬ ફેબ્રુઆરી બાદ બંધ કરવામાં આવી હતી અને તેમનાં દ્વારા માત્ર ૧૧ રૂટોમાંથી બે રૂટ ઉપર જ તેઓએ પરવાનગી આપી છે કે જે દક્ષિણ પાકિસ્તાનથી જ હવાઈ જહાજો પસાર થઈ શકે છે. આ તકે ઈન્ડિયન એરફોર્સે માહિતી આપતા જણાવ્યું હતું કે, જે ટેમ્પરરી રીસ્ટ્રીકશન ઈન્ડિયન એરસ્પેસ લગાવવામાં આવ્યું હતું તેને હવે નાબુદ કરવામાં આવ્યું છે પરંતુ કોઈપણ કોમર્શીયલ એર લાઈનને આ અંગે કોઈપણ પ્રકારનો ફાયદો નહીં થઈ શકે. પાકિસ્તાન દ્વારા પોતાની હવાઈ સીમા પરથી કોઈપણ હવાઈ જહાજ પસાર ન કરવાનો નિર્ણય તેમનો એક વ્યકિતગત નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
હવાઈ રૂટ બંધ થતાની સાથે જ ભારતની એર ઈન્ડિયા કંપની તેનાં ઈન્ટરનેશનલ રૂટો કે જે યુરોપીયન અને યુ.એસ.નાં શહેરોને જોડે છે તે તમામ રૂટોને રી-રૂટ કરવામાં આવ્યા છે જેનાં કારણે હવાઈ જહાજમાં વપરાતાં ઈંધણમાં અનેકગણો વધારો થયો છે અને ખર્ચમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન એરસ્પેસમાં ભારતીય વિમાનોને પ્રવેશબંધીનાં કારણે ઈન્ડિયો એર લાઈન્સ કે જે દિલ્હીથી ઈસ્તાનબુલ સીધી ફલાઈટ હતી તે પણ હાલ બંધ કરી દેવામાં આવી છે. માર્ચ માસમાં આ ફલાઈટ સૌથી સસ્તા દરે શરૂ કરવામાં આવી હતી ત્યારે દિલ્હીથી ઈસ્તાનબુલ જતાં ઈન્ડિગોની ફલાઈટે અરબી સમુદ્રને પાર કરી દોહાકતાર ખાતે ઈંધણ ભરાવવા માટે રોકાણ કરવું પડે છે જે હવે ખુબ જ ખર્ચાળ બની ગયું છે ત્યારે જોવાનું એ રહ્યું કે, પાકિસ્તાન પોતાનાં હવાઈ રૂટને કયારે શરૂ કરે છે ?