વર્તમાન સમયમાં લગ્નસબંધો તૂટી રહ્યા છે. લોકો પોતાની જાતને પ્રેમ કરવાનું છોડી રહ્યા છે. તેવી સ્થિતિમાં વડોદરાની એક યુવતી સમાજની આંખ ઉઘાડતું પગલું ભરી રહી છે. તેને પોતાની જાત સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે અને આ માટે તેને તમામ તૈયારી પણ કરી લીધી છે.
સિંગલ રહીને પણ કપલ કહેવાશે
અન્ય ભારતીય દુલ્હનની જેમ જ ક્ષમા બિંદુ પણ 11 જુલાઈના એ ખાસ દિવસે દુલ્હનની જેમ તૈયાર થશે. 24 વર્ષની વડોદરાની ક્ષમાએ આ માટેની તૈયારીઓ પણ કરી લીધી છે. પાનેતર અને ઘરેણાની ખરીદીની સાથે પાર્લર પણ બૂક કરાવી લીધું છે. તે દુલ્હન બનીને મંડપમાં બેસવા માટે તૈયાર છે. જોકે, તેની સાથે ફેરા ફરવા માટે વરરાજા નહીં હોય. તમને આશ્ચર્ય થશે કે વરરાજા નહીં હોય તો ફેરા કોની સાથે ફરશે દુલ્હન? પરંતુ અહીં ક્ષમા કોઈ છોકરા સાથે નહીં પરંતુ પોતાની જાત સાથે જ લગ્ન કરવા જઈ રહી છે. પોતાના જ આત્મા સાથે લગ્નનો નિર્ણય કરનારી ક્ષમાએ હનીમૂન પર જવાનો પણ પ્લાન બનાવ્યો છે. તે બે અઠવાડિયા માટે દેશના આ સૌથી પ્રખ્યાત સ્થળ પર હનીમૂન પર જવાની છે.
લગ્નસબંધો તૂટી રહ્યા છે, પોતાની જાતને પ્રેમ કરવાનું લોકો છોડી રહ્યા છે તેવી સ્થિતિમાં વડોદરાની યુવતિનું સમાજની આંખ ઉઘડતું પગલું
આ સાંભળીને ઘણાંને વિશ્વાસ નથી થતો પરંતુ આ વાત સાચી છે. ક્ષમા પરંપરાગત રીતે અનુષ્ઠાન કરીને અને ત્યાં સુધી કે તે સિંદૂર પણ લગાવશે, આ લગ્નમાં બધું જ થશે પણ વરરાજા નહીં હોય અને મોટી જાન પણ નહીં હોય. ગુજરાતમાં લગભગ આ રીતે પોતાની જાત સાથે પહેલીવાર લગ્ન થઈ રહ્યા છે.
ક્ષમાએ જણાવ્યું કે, “હું લગ્ન કરવા નહોતી માગતી, પરંતુ હું દુલ્હન બનવા માગતી હતી. માટે મે પોતાની જાત સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.” ક્ષમાએ આ અંગે તપાસ કરવા માટે ઓનલાઈન સર્ચ કર્યું હતું કે દેશમાં કોઈ મહિલાએ પોતાની સાથે લગ્ન કર્યા છે? પરંતુ તેને એવું કોઈ મળ્યું નહીં. તેણે કહ્યું, “લગભગ હું આપણા દેશમાં પોતાની જાત સાથે પ્રેમનું એક ઉદાહરણ સ્થાપિત કરનારી પહેલી છોકરી છું.”
મારી જાતને કરું છું પ્રેમ એટલે મારી જાત સાથે લગ્ન’
ખાનગી ફર્મમાં નોકરી કરનારી ક્ષમાએ કહ્યું, “પોતાની જાત સાથે લગ્ન અને પોતાના માટે શરત વગરનો પ્રેમ હોવો તે પ્રતિબદ્ધતા છે. આ આત્મ-સ્વીકૃતિનું કાર્ય છે. લોકો કોઈ એવી વ્યક્તિ સાથે લગ્ન કરે છે કે જેને પ્રેમ કરતા હોય. હું મારી જાતને પ્રેમ કરું છું અને એટલે જ લગ્ન પણ મારી જાત સાથે જ કરી રહી છું.”
માતા-પિતા પણ ક્ષમાના નિર્ણયથી ખુશ
ક્ષમાએ કહ્યું કે કેટલાક લોકો આત્મ-વિવાહને અપ્રાસંગિક માને છે. પરંતુ હકીકતમાં જે દર્શાવવાની કોશિશ કરું છું તે એ છે કે મહિલાનું મહત્વ શું છે. ક્ષમાએ કહ્યું કે તેના માતા-પિતા મુક્ત વિચારોવાળા છે અને તેમણે પણ આ લગ્ન માટે આશીર્વાદ આપ્યા છે.
મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો
ક્ષમાએ પોતાના લગ્ન ગોત્રીના મંદિરમાં કરવાનો નિર્ણય લીધો છે. પોતાની સાથે લગ્નના નિર્ણય પર તે પાંચ વચન લેશે. લગ્ન માટેનું આમંત્રણ પણ લોકોને મોકલી દેવામાં આવ્યું છે. 11મી જૂને સાંજે 5 વાગ્યે લગ્નનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલા 9 તારીખે મહેંદી સેરેમની પણ રાખવામાં આવી છે.
બે અઠવાડિયાનો હનીમૂન પ્લાન પણ બનાવ્યો છે
ક્ષમાના લગ્નમાં કેટલાક મિત્રો અને સાથે કામ કરતા લોકો જોડાવાના છે, પરંત તેના માતા કે જેઓ આવી શકે તેમ નથી તેથી તેઓ વીડિયો કોલ દ્વારા આશીર્વાદ આપશે. હજુ આ પૂરું નથી થયું. ક્ષમા લગ્ન પછી હનીમૂન પર પણ જવાની છે. ક્ષમા બે અઠવાડિયા માટે ગોવા હનીમૂન માટે જશે અને આ છે ક્ષમાનો પોતાની જાત સાથેના લગ્નનો આખો પ્લાન!