નલીયા, રાજકોટ, જુનાગઢ સહિતના શહેરોમાં ન્યુનતમ તાપમાનનો પારો ઉંચકયો: બર્ફીલા પવનના કારણે દિવસભર ઠંડીનો અહેસાસ
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજય ભરમાં છેલ્લા ત્રણ દિવસથી ગાત્રો થ્રીજાવતી ઠંડી પડી રહી છે. આજે મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનો પારો ઉંચકાયો હોવા છતાં બર્ફીલા પવનનાકારણે દિવસભર કાતીલ ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. ઉતર ભારતનારાજયોમાં સતત બરફવર્ષા ચાલુ હોવાના કારણે આગામી ૧૮મી ડિસેમ્બર બાદ રાજયભરમાં ઠંડીનુંજોર વધશે અને ન્યુનતમ તાપમાનનો પારો ૮ ડિગ્રીથી પણ નીચો પટકાશે.
આજે નલીયા, રાજકોટ, જુનાગઢ સહિતના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો બેથી લઈ ચાર ડિગ્રી સુધી પટકાતા લોકોએ થોડી રાહત અનુભવી હતી.જોકે આખો દિવસ ઠંડાગાર પવનો ફુંકાવાના કારણે લોકોએ દિવસભર કાતીલ ઠંડીનો અનુભવ કર્યો હતો અને દિવસ દરમિયાન પણ લોકો ગરમ કપડામાં વિટોળાયેલા જોવા મળ્યા હતા. આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૨.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલ કરતા આજે પારો દોઢ ડિગ્રી સુધી ઉંચકાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૬ ટકા અને પવનની સરેરાશ ઝડપ પ્રતિકલાક ૫ કિ.મી.રહેવા પામી હતી. સવારે ૮:૩૦ કલાકે તાપમાન ૧૫.૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.
કચ્છનું નલીયા ગઈકાલે ૫.૮ ડિગ્રી સાથે કાતીલ ઠંડીમાં ઠુંઠવાયું હતું. આજે નલીયામાં પારો ૪ ડિગ્રી સુધી ઉંચકાયો હતો. નલીયાનું આજનું તાપમાન ૯.૮ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૬ ટકા જયારે પવનની ઝડપ શાંત રહેવા પામી હતી. જુનાગઢમાં આજે લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૮.૧ કિ.મી રહેવા પામી હતી.
જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતના રાજયોમાં સતત બરફવર્ષા ચાલુ છે. જેના કારણે સૌરાષ્ટ્રસહિત રાજયભરમાં આગામી ૧૮મી ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે અને અનેક શહેરોમાં ન્યુનતમતાપમાનનો પારો ૮ ડિગ્રી સુધી નીચો પટકાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાયછે.