રાજકોટ જિલ્લામાં બચાવ રાહત કામગીરી માટે ભટિંડાથી એનડીઆરએફની ત્રણ ટીમો આવી: જામનગરમાં એનડીઆરએફની ત્રણ અને એસડીઆરએફની બે ટીમો દ્વારા સમયસર લોકોનું સ્થળાંતર કરાતા ખુંવારી અટકી
સૌરાષ્ટ્રમાં ગઈકાલે ખાબકેલા અનરાધાર વરસાદના કારણે રાજકોટ અને જામનગર જિલ્લામાં મેઘ તારાજી સર્જાઈ હતી. બન્ને જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી કરવામાં આવતા મોટી ખુંવારી અટકી હતી. મેઘરાજાએ સમી સાંજે સમય રહેતા વિરામ લઈ લેતા સૌરાષ્ટ્ર જળ પ્રલયમાંથી ઉગરી ગયું હતું. હજી અનેક રસ્તો બંધ છે. સ્થળાંતરીત અને રેસ્કયુ કરાયેલા લોકો હજી કેમ્પોમાં આશરો લઈ રહ્યાં છે. હજી અનેક ગામોમાં વરસાદી પાણી ભરેલા છે. ખેતરોમાં ઉભા પાકનો સત્યાનાશ નિકળી ગયો છે. નદીઓ હજી બે કાંઠે વહી રહી છે.
રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં 6748 લોકોનું સ્થળાંતર: હજી અનેક રસ્તાઓ બંધ
કેન્દ્ર સરકાર પાસેથી તાત્કાલીક પાંચ ટીમો મંગાવવી પડી: જામનગરમાં નેવીની બે ટીમો ઉતારી
સૌરાષ્ટ્રમાં રવિવાર રાતથી મેઘાવી તાંડવ શરૂ થયું હતું. સોમવાર સવાર સુધી ધીમીધારે હેત વરસાવ્યા બાદ સોમવાર સવારથી મેઘાનું જોર વધુ હતું. રાજકોટ અને જામનગર જિલ્લામાં 20 ઈંચથી પણ વધુ વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી. જામનગર જિલ્લાના કાલાવડ, જોડિયા, જામનગર શહેર અને ગ્રામ્યના તાલુકાઓમાં જુદા જુદા કુલ 8 ગામોમાં 64 વ્યક્તિઓ ફસાયેલાને બચાવતા સલામત સ્થળે ખસેડવા જરૂરિયાત જણાતા એરલિફટ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 16 વ્યક્તિઓને એરલિફટ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે અને અન્ય 48 વ્યક્તિઓને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે.
ભારે વરસાદને ધ્યાનમાં લઈ એન.ડી.આર.એફ.ની 3 ટીમ જામનગર ડીપ્લોય કરવામાં આવી હતી. એસડીઆરએફની 2 ટીમ જામનગર જિલ્લામાં મોકલાઈ હતી. વધુ 5 ટીમ ભારત સરકાર પાસેથી માંગવામાં આવી હતી. એસડીઆરએફની મડાણા અને ગાંધીનગર 2 ટીમ રાજકોટ મોકલાય હતી. જામનગર ખાતે નેવીની 2 ટીમ ડીપ્લોય કરવામાં આવી હતી.
જરૂર જણાયે કોસ્ટ ગાર્ડ તથા નેવી ડીપાર્ટમેન્ટની મદદ લેવા માટે પણ સંબંધિત જિલ્લા કલેકટરને આદેશ આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં 2553, જામનગર જિલ્લામાં 3966, પોરબંદર જિલ્લામાં 224, જૂનાગઢ જિલ્લામાં 5 એમ મળી કુલ 6748 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
સ્ટેટ હાઈવે 15, નેશનલ હાઈવે 1 અને પંચાયત હસ્તકના 130 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયેલ છે. જેમાં મુખ્યત્વે જામનગર અને રાજકોટ જિલ્લાના માર્ગ વ્યવહારને અસર થવા પામી છે.
રાજકોટ જિલ્લામાં સર્જાયેલી આપત્તિજનક પરિસ્થિતિને થાળે પાડવા માટે એન.ડી.આર.એફ.ની ચાર અને એસ.ડી.આર.એફ.ની એક ટીમ રાજકોટ આવી હતી. પૂરમાં ફસાયેલા નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કાર્યવાહી કરી રહી છે. પંજાબના ભટિંડા ખાતેથી હવાઈમાર્ગે રાજકોટ આવી પહોંચેલી એન.ડી.આર.એફ.ની ત્રણ ટીમોએ ધોરાજી, ગોંડલ તથા રાજકોટ શહેરના પ્રાંત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાગરિકોના બચાવ રાહતની કામગીરી શરૂ કરી દીધી છે, જેનાથી મહત્તમ લોકોનું સ્થાનાંતર શક્ય બન્યું છે અને જાનમાલની ખુવારી અટકાવી શકાઇ હતી.
એન.ડી.આર.એફ.ની ચોથી ટીમ વડોદરાથી સડક માર્ગે લોધિકા આવી પહોંચી છે, જેને લોધીકા તાલુકાના વિવિધ ગામોમાં ફસાયેલા નાગરિકોના સ્થળાંતર માટે કાર્યરત કરી દેવાઇ છે. તથા એસ.ડી.આર.એફ.ની એક ટીમના સભ્યો ગાંધીનગરથી હવાઈ માર્ગે રાજકોટ આવી પહોંચ્યા છે, જેના સભ્યોએ રાજકોટ શહેર-2ના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારમાં વરસાદને લીધે હાલાકી ભોગવી રહેલા નાગરિકોની મદદ કરવાની કામગીરી સોંપાઈ છે.