ટેકસાસ, ન્યુયોર્ક, મિસ્સોરી અને ઓલકાહોમા ભારે હિમવર્ષા અને બરફના તોફાનના પગલે કરોડો લોકો પર ખતરો
અમેરિકામાં ભારે હિમપ્રપાત, વાવાઝોડાના કારણે વીજળીના વિતરણમાં ખામી સર્જાઈ છે. પરિણામે અમેરિકાના ૪૦ લાખ લોકો કલાકો સુધી વીજળી વગર રહ્યાં હતા. અમેરિકાના સાઉથ અને સેન્ટ્રલ ભાગમાં ભારે ઠંડા પવનો અને હિમપ્રપાતથી માનવ જીવન ખોરવાયું છે. આ પ્રકારની ઠંડી અને વાવાઝોડુ ઘણા વર્ષો બાદ જોવા મળ્યું છે.
અમેરિકા શિયાળુ તોફાનની લપેટમાં આવી ગયું છે. અંદાજીત ૨૦ કરોડ લોકો પર આ તોફાનનો ખતરો છે. જેના પગલે અનેક વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ અપાઈ છે. આ શિયાળુ તોપાનના કારણે હિમ વર્ષા, વરસાદ અને ભારે પવનો ફૂંકાઈ ર્હયાં છે. એક તરફ કોરોના મહામારીમાં રસીકરણનું કામ ચાલુ છે. બીજી તરફ આ હિમપ્રપાતના કારણે રસીકરણનું કામ અટકી પડ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે, લોકો ઘરની બહાર નીકળી શકે તેમ નથી. જેના પગલે રસી આપવાના ક્લીનીક બંધ કરી દેવામાં આવ્યા છે. સપ્લાય સીસ્ટમ ખોરવાઈ છે.
અમેરિકાના ટેકસાસમાં હિમવર્ષાના પગલે વીજળીનો પુરવઠો ઠપ્પ થઈ ચૂક્યો છે. અનેક ઘરોમાં અંધારપટ છે. ૧૯૭૨ બાદ અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલા સીએટલમાં ૧૧ ઈંચ બરફ પડ્યો હતો. છેલ્લા કેટલાંક દિવસોમાં ૫૦ ઈંચ જેટલો બરફ પડી જતાં અમેરિકાના અનેક રાજ્યોમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. ન્યુયોર્ક શહેરમાં ભારે વાવાઝોડુ આવ્યું છે. ન્યુજર્સી પણ ભારે હિમપ્રપાતની લપેટમાં આવી જાય તેવી દહેશત છે. પેન્સેનવેલીયા ઠંડીમાં થ્રીજી ગયું છે. આ ઉપરાંત ભારે હિમવર્ષાના કારણે ફલાઈટ રદ કરવી પડી છે.
સતત બે દિવસ ટેકસાસમાં વીજ કટોકટી સર્જાઈ હતી. દક્ષિણ ભાગમાં બરફનું તોફાન જારી રહેતા તાપમાનનો પારો નીચે પહોંચી ગયો હતો. ઈલેકટ્રીક રિલાયેબીલીટી કાઉન્સીલ ઓફ ટેકસાસ દ્વારા ગઈકાલે વીજકાપ મુકવામાં આવ્યો હતો. ઓકલાહામાં ગેસ અને વીજ પુરવઠામાં ખામી સર્જાતા હાહાકાર મચી ગયો હતો.