ભારતની અત્યાર સુધીની સૌથી વધુ વજન ધરાવતી ૫૮૫૪ કિલોગ્રામની સેટેલાઈટ જીસેટ-૧૧ તૈયાર
તાજેતરમાં જ અમેરિકા સાથે મળીને કુલ ૩૧ સેટેલાઈટની સફળતા બાદ ઈસરોએ વધુ એક કામ્યાબી હાંસલ કરી છે. ભારતે અત્યાર સુધીની સૌથી વજનદાર સેટેલાઈટ જીસેટ-૧૧ તૈયાર કરી છે જે દૂર-દૂરના વિસ્તારોમાં કે જયાં નેટ કનેકટીવીટી અને ટેલીકોમ કનેકશનમાં અડચણો છે તેવા વિસ્તારોમાં ઈન્ટરનેટની સ્પીડને બુસ્ટર ડોઝ આપવામાં મદદરૂપ બનશે.
જીસેટ-૧૧ સેટેલાઈટને યુરોપની અંતરીક્ષ એજન્સીના રોકેટ એરીયન-૫ની સાથે સાઉથ અમેરિકામાં લોન્ચ કરવામાં આવશે. જીસેટ-૧૧ ઉપગ્રહ ભારતની અત્યાર સુધીની સૌથી વધુ વજન ધરાવતી ૫૮૫૪ કિ.ગ્રા.ની સેટેલાઈટ છે. જેનું નિર્માણ રૂપિયા ૧૧૧૭ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. સેટેલાઈટ સાથે જોડાયેલી સૌર પેનલ ૪ મીટરથી પણ વધુ મોટી છે જે ૧૧ કિલોવોટ ઉર્જા ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. સેટેલાઈટના સફળ પરિક્ષણ બાદ ભારત પાસે પોતાની સેટેલાઈટ આધારીત ઈન્ટરનેટની સુવિધા રહેશે.
આ સેટેલાઈટના માધ્યમથી ઈન્ટરનેટ તેમજ ટેલીકોમ નેટવર્કમાં હાઈસ્પીડનો લાભ મેળવી શકાશે. જીસેટ-૧૧ જે એક ઈન્ટરનેટ સેટેલાઈટની શ્રેણીનો હિસ્સો છે. જેની મારફતે ૧૮ મહિનામાં ૩ સેટેલાઈટ અંતરીક્ષમાં મોકલવામાં આવશે. જીસેટ-૧૧થી દેશની સાયબર સુરક્ષા મજબૂત બનશે અને બેન્કિંગ સીસ્ટમ પણ સુરક્ષીત બનશે.