- રાજકોટનું 38.7 ડિગ્રી તાપમાન: 21થી 30 એપ્રિલ દરમિયાન ફરી એકવાર તાપમાન ઊંચું જવાની સંભાવના
વર્ષની શરૂઆત સાથે જ હવામાનમાં વારંવાર પલટા આવ્યા છે. શિયાળો બરોબર જામ્યો નથી અને ઉનાળાની વહેલી શરૂઆત થઇ ગઇ છે. ત્યારે એપ્રિલ મહિના દરમિયાન વારંવાર હવામાનમાં પલટો આવવાની શક્યતા હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. જેમાં આજથી 13 એપ્રિલ દરમિયાન રાજ્યમાં હીટવેવનો રાઉન્ડ આવવા સાથે તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની વકી છે. જ્યારે 14થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠાનો રાઉન્ડ આવવાની સંભાવના છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એપ્રિલના મધ્યમાં ઉનાળા વચ્ચે માવઠાનો માહોલ ઊભો થવાની સંભાવના વ્યક્ત કરી છે. માવઠું ગયા પછી ફરી એકવાર ગરમીનો મારો શરૂ થવાની સંભાવના છે. 8થી 13 એપ્રિલ દરમિયાન કાળઝાળ ગરમી અને પછી માવઠાની વકી છે. 16 એપ્રિલે માવઠું પૂર્ણ થયા પછી તાપમાન ફરી ઊંચું જવાની શક્યતા છે.
21થી 30 એપ્રિલ દરમિયાન ફરી એકવાર તાપમાન ઊંચું જવાની સંભાવના છે. આ તારીખો દરમિયાન આકરો તાપ પડવાની આગાહી કરાઈ છે, જેમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર જાય તેવી શક્યતા છે.
એપ્રિલ મહિના દરમિયાન આકરી ગરમી રહેવાની સંભાવના વિશે હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું છે કે, પાછલા વર્ષે ગરમીનું જોર ઓછું હતું,
આ વર્ષે શિયાળો નબળો રહ્યો છે, શિયાળો સામાન્ય કરતા વધારે ગરમ જોવા મળ્યો હતો. જેના કારણે ઉનાળો વહેલો શરૂ થઇ ગયો છે. આ વર્ષે ઉનાળો આકરો રહેવાની વકી છે.
મે મહિના દરમિયાન અમુક દિવસો દરમિયાન આકરી ગરમી અને તે પછી પ્રી-મોન્સૂન એક્ટિવિટી રહેવાની શક્યતા છે. આ વર્ષે મેમાં દર વર્ષની સરખામણીમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધુ જોવા મળશે. અલનીનોની અસર પણ હવામાન પર જોવા મળી રહી છે.