અમદાવાદનું મહત્તમ તાપમાન પણ 44.4 ડિગ્રી નોંધાયું: કંડલા એરપોર્ટ પર તાપમાન 44 ડિગ્રીએ આંબી ગયું: રાજકોટમાં તાપમાન 1 ડિગ્રી ઘટયું: આજે પણ હીટ વેવનું જોર રહેશે
રાજયમાં છેલ્લા એક સપ્તાહથી હીટ વેવનો પ્રકોપ વર્તાવ રહ્યો છે. આકાશમાંથી અગન વર્ષા થઇ રહી છે. શુક્રવારે પણ માથાફાડ તાપથી જનજીવન ત્રાહિમામ પોકારી ગયું હતું. 44.4 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર અને રાજયની આર્થિક રાજધાની અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યા હતા. રાજકોટમાં ગુરૂવારની સરખામણીએ શુક્રવારે મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોને સામાન્ય રાહત મળી હતી. આજે પણ હિટવેવનો કહેર યથાવત રહેશે. આજે પણ રાજયભરમાં તાપમાનનો પારો 43 થી 45 ડિગ્રી વચ્ચે રહેશે.
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અગન ભઠ્ઠીમાં ફેરવાય ગયું છે. એક સપ્તાહ પૂર્વ લોકો એવી ફરીયાદ કરતા હતા કેઆ વર્ષ માવઠાની મોસમ બરાબર ખિલી છે. ઉનાળો કુદરતના કેલેન્ડરમાંથી નિકળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ એક જ સપ્તાહ સૂર્ય નારાયણે ગુજરાતવાસીઓને ગરમીથી ત્રાહિમામ પોકારતા કરી દીધા છે. ગત શનિવારથી રાજયમાં ઉનાળો બરાબર જામવાનું શરુ થયું છે. દિન-પ્રતિનિધિ તાપમાનનો પારો સતત ઉંચકાય રહ્યો છે. મે માસના પ્રથમ પખવાડીયામાં જ મહત્તમ તાપમાન 44 ડીગ્રીને પાર થઇ ગયું છે. આગામી દિવસોમાં પારો 45 કે 46 ડિગ્રીએ પહોંચી જાય તેવી શકયતા પણ નકારી શકાતી નથી જીવ માત્ર કાતીલ ગરમીથી અકળાય ઉઠયા છે.
ગઇકાલે સુરેન્દ્રનગર અને અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. આ બન્ને શહેરોમાં રાજયના સૌથી ગરમ રહ્યા હતા. આ ઉપરાંત કચ્છમાં કંડલા એરપોર્ટ પર મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું હતું. જયારે અમરેલીનું તાપમાન 43.2 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 41.7 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 32.6 ડિગ્રી, ઓખાનું તાપમાન 34.9 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 40.2 ડિગ્રી, રાજકોટનું તાપમાન 42.9 ડિગ્રી, વેરાવળનું તાપમાન 35.6 ડિગ્રી, દિવનું તાપમાન 41.9 ડિગ્રી, મહુવાનું તાપમાન 40.2 ડિગ્રી, કેશોદનું તાપમાન 42.7 ડિગ્રી, ભુજનું તાપમાન 42.6 ડીગ્રી, નલીયાનું તાપમાન 38.4 ડિગ્રી, ડિસાનું તાપમાન 42.8 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 43.7 ડિગ્રી, વલ્લભ વિઘાનગરનું તાપમાન 43.5 ડિગ્રી, વડોદરાનું તાપમાન 43.2 ડિગ્રી, સુરતનું તાપમાન 40.5 ડિગ્રી અને વલસાડનું તાપમાન 38.5 ડિગ્રી નોંધાયું હતું.
રાજકોટમાં ગુરુવારની સરખામણીએ શુક્રવારે મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ગુરુવારે તાપમાન 43.8 ડિગ્રી નોંધાયું હતું. જયારે ગઇકાલે તાપમાન 42.9 ડિગ્રી રહેવા પામ્યું હતું. આજે પણ રાજયભરમાં હિટવેવનો કહેર જારી રહેશે આગામી 16મી મે સુધી આકાશમાંથી અગ્ની વર્ષા થતી રહેશે. ત્યારબાદ ગરમીમાં સામાન્ય રાહત મળશે. સવારે 11 વાગ્યાથી આકરા તાપનો અહેસાસ થવા માંડે છે. સાંજે 7 વાગ્યા સુધી ગરમી લુ ફેકાતુું રહે છે. મોડી રાત સુધી વાતાવરણમાં ઠંડક જોવા મળતી નથી.