ઉત્તર ભારતમાં તાપમાન ૪૫ ડિગ્રીને પાર થતા હવામાન વિભાગે પાંચ રાજયોમાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કહેરથી દેશવાસીઓ ફફડી રહ્યા છે. ત્યારે સૂર્યનારાયણે છેલ્લા થોડા દિવસોથી અગ્નવર્ષા વરસાવવાનો પ્રારંભ કર્યો છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ૪૫ ડીગ્રીને પાર કરી જતા લોકો ગરમીથી તોબા પોકારી ગયા હતા. રાજસ્થાનના પીલાનીમાં ગઈકાલે સૌથી વધારે ૪૬.૭ ડીગ્રી તાપમાન નોંધાયું હતુ. હવામાન વિભાગે ઉત્તર ભારતના પાંચ રાજયોમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી તાપમાનનો પારો ૪૭ ડિગ્રીને પાર થઈ જવાની સંભાવના વ્યકત કરીને રેડએલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં પણ ગરમીનો પારો ૪૩ ડીગ્રી સુધી પહોચી ગયો છે. જેમા આગામી દિવસોમાં વધવાની સંભાવના છે. જેથી, કોરોનાથી ત્રાહીમામ પોકારી ગયેલા દેશવાસીઓ હવે ગરમીથી તોબા પોકારશે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે તાપમાનું પ્રમાણ ૪૫ ડીગ્રીને પાર થઈ જવા પામ્યું હતુ જેથી, હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાન એમ પાંચ રાજયોમાં આગામી બે દિવસમાં હીટવેવને લઈને ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. પૂર્વી ઉતર પ્રદેશમાં પણ તાપમાન વધવાની સંભાવના હોય આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ માટે જાહેર કરવામા આવ્યું છે. આગામી બે ત્રણ દિવસમાં ઉત્તર ભારતનાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૭ ડીગ્રીને પાર થઈ જવાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં ઉતર અને મધ્ય ભારતના વિસ્તારોમાં અગનવર્ષા થવાથી સમયાંતરે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવે છે. પરંતુ ગત અને ચાલુ માસે મોન્સુન એકટીવીટીના કારણે અનેક સ્થાનો પર પડેલા વરસાદના કારણે તાપમાનનું પ્રમાણ કાબુમાં રહ્યું હતુ ચાલુ વર્ષે ઉતર ભારતમાં સૌ પ્રથમ વખત તાપમાનનું પ્રમાણ વધતા રેડ એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે દેશના ગરમીના પ્રકોપવાળા વિસ્તારો એવા પંજાબ, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને તેલગાંણામાં આગામી પાંચ દિવસમાં તાપમાનનું પ્રમાણ વધવાની આગાહી વ્યકત કરી છે. જયારે ઓરિસ્સા, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસોમા અગનવર્ષાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. સામાન્ય રીતે તાપમાન ૪૦ ડીગ્રીને પાર કરી જાય અને તાપમાનમાં ૪.૫ ડીગ્રીથી લઈને ૬.૪ ડીગ્રીનો વધારો થાય ત્યારે હવામાન વિભાગ દ્વારા હીટવેવ જાહેર કરવામાં આવે છે. તાપમાનની તીવ્રતાના પ્રમાણમાં જેતે વિસ્તારોમાં રેડ, યલો અને ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવે છે. રેડ એલર્ટવાળા વિસ્તારોમાં હવામાન વિભાગે લોકોને બપોરે ૧ થી ૫ વચ્ચે કામ સિવાય બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગે છતીસગઢ અને તમિલનાડુ વચ્ચે વહી રહેલા ઉત્તર પૂર્વના ગરમ પવનના કારણે દેશમાં હીટવેવ આવશે તેમ આગાહી કરી છે. જોકે વેસ્ટર્ન ડીસ્ટર્બનના કારણે ૨૮ મે પછી દેશના અનેક વિસ્તારોમાં વરસાદ વરસાવવાની સંભાવના પણ વ્યકત થયું છે. ઉતર ભારતમાંથી આવતા આ ગરમ પવનોના કારણે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તાપમાનનું પ્રમાણ વધવાની સંભાવના છે. જેથી આગામી એકાદ માસ સુધી સૌરાષ્ટ્રવાસીઓને પણ ભારે હીટવેવનો સામનો કરવો પડે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.