ભાજપ, કોંગ્રેસના ઉમદવારો જાહેર થવા સાથે જ ધમધમાટ: પ્રચાર પણ શરૂ: ‘આપ’ ના બહુ ગાજેલા કાર્યકરો ગાયબ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયા પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો જાહેર થવા સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. પ્રચાર પણ જોરશોરથી શરૂ થઇ ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક એવા ખંભાળિયામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના ભાજપ ઉમેદવારોના નામ જાહેર થયા હતાં જે પૈકી વોર્ડ નંબર એક તથા વોર્ડ નંબર છના એક-એક ઉમેદવારની યાદી બાકી રહી હતી.
સાંસદ પૂનમબેન માડમ, અહીંના પ્રભારી તથા નિરીક્ષકો સાથે થયેલી શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, તત્કાલીન જિલ્લા મહામંત્રી દિનેશભાઇ દત્તાણી, શહેર મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, વિગેરે વચ્ચે તમામ પાસાઓની ચર્ચા- વિચારણાઓ કરી, શહેરના જુદા જુદા 7 વોર્ડની 28 બેઠક માટે મહદ્ અંશે મોટાભાગની તમામ જ્ઞાતિને સાથે રાખી અને વિધિવત રીતે નામની જાહેરાત કરવામાં આવી હતી.
કોંગ્રેસના પેનલ- ટુ- પેનલ વિજેતા બનેલા વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના તત્કાલીન સભ્ય તથા સ્થાનિક કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને લઈને ભાજપ દ્વારા આ આખી પેનલ કબજે કરવા માટેની સોગઠી દાવ કરવામાં આવ્યો છે. ઉપરાંત વોર્ડ નંબર સાતમા કોંગ્રેસ- ભાજપમાં આયારામ-ગયારામ જેવી ભૂમિકા ભજવનાર કહેવાતા નેતાઓનું પણ સંભવિત રીતે રાજકારણ પૂરું થઈ ગયું છે.
અગાઉ સતત ત્રણ સુધી ચૂંટાયેલા ત્રણ પૂર્વ પ્રમુખો એવા વોર્ડ નંબર 2, 6 તથા 7 ના લોહાણા, સતવારા તથા ગઢવી જ્ઞાતિના દાવેદારને ટિકિટ મળી નહોતી. જો કે તેમના પરિવારજનોને આ વખતે ટીકીટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા છેલ્લી ઘડી સુધીની લાંબી ચર્ચાઓ અને મનોમંથન બાદ અને નવા તથા નવયુવાન ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ટિકિટ ફાળવણીની આ પ્રક્રિયા પૂર્ણ થતા આગામી દિવસોમાં મતદાન સંપન્ન થયે ભાજપ દ્વારા મહત્તમ બેઠક કબજે લઇ, કોંગ્રેસને પછડાટ આપવામાં આવશે તેવો આશાવાદ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાએ વ્યક્ત કર્યો હતો. ફોર્મ ભરવાના ચોથા દિવસે વોર્ડ નંબર 1 માં ત્રણ, વોર્ડ નંબર 2 માં છ, વોર્ડ નં. 3 માં દસ, વોર્ડ નંબર 4 માં સાત, વોર્ડ નંબર 5 માં નવ, વોર્ડ નંબર 6 માં ત્રણ, તથા વોર્ડ નંબર સાતમાં પાંચ મળી કુલ 46 ઉમેદવારીપત્રો ભરાયા હતા. ખંભાળિયા નગરપાલિકાની 28 બેઠકોની ટીકીટ માટે ભારતીય જનતા પાર્ટીના 132 દાવેદારો હતા. તેમ છતાં પણ તેઓની યાદી બહાર પડી ગઈ છે. જ્યારે કોંગ્રેસમાં 28 બેઠક માટે ભાજપ કરતાં અડધા પણ દાવેદાર ન હતા. તેમ છતાં પણ કોંગ્રેસ દ્વારા શનિવારે સવારે સુધી યાદી બહાર પાડી ન હતી. કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારો તથા અન્ય લોકો પણ ફોર્મ ભરવા ઉમટી પડે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીના નામે બહુ ગાજેલા કાર્યકરો હવે જાણે ગાયબ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
ખંભાળિયા નગરપાલિકાના કોંગ્રેસના તત્કાલીન સદસ્ય ઈમ્તિયાઝખાન લોદીન તથા કોંગ્રેસના સિનિયર મહિલા પ્રમુખ રેખાબેન ખેતીયાએ કોંગ્રેસને અલવિદા કહી અને ભાજપનો ખેસ ધારણ કરી લેતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બંને કાર્યકરોને આવકારી અને જુદા જુદા વોર્ડમાંથી ટિકિટ ફાળવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત ટર્મ બાદ આ ટર્મમાં પણ વધુ સાત ઉમેદવાર રીપીટ કરાયા છે. જેમાં વોર્ડ નંબર સાતમાં સિનિયર સદસ્ય રમેશભાઈ સુંદરજીભાઈ રાયચુરા (જગુભાઈ રાયચુરા), પૂર્વ કારોબારી ચેરમેન દિપેશભાઈ પરસોતમભાઈ ગોકાણી, રસીલાબેન કારૂભાઈ માવદીયા, ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર, હંસાબા ભીખુભા જેઠવા, મહિપતસિંહ પ્રવીણસિંહ રાઠોડ, તથા સોનલબેન નાથુભાઈ વાનરીયાને આ વખતે પણ ઉમેદવાર બનાવાયા છે.