સુરેન્દ્રનગર 44.7 ડીગ્રી સેલ્સીયસ તાપમાન સાથે અગન ભઠ્ઠીમાં ફેરવાયું: રાજકોટમાં સવારે આકાશમાં આછેરા વાદળો છવાયા

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ગત સપ્તાહે પ્રિ-મોનસુન એકિટવીટીની અસર તળે સામાન્ય વરસાદ પડયો હતો. દરમિયાન આજે સવારે રાજકોટમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. આકાશમાં આછેરા વાદળો છવાયા હતા. સવારે પરસેવે રેબઝેબ કરી દેતા બફારાનો અહેસાસ થઇ રહ્યો છે. જયારે બપોરના સમયે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. રાજયના 13 શહેરોમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર થઇ ગયો હતો. સુરેન્દ્રનગર જાણે અગન ભઠ્ઠીમાં ફેરવાય ગયું હોય તેમ મહત્તમ તાપમાન 44.7 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર મંગળવારે અમદાવાદનું તાણમાન 43.9 ડીગ્રી, ડિસાનું તાપમાન 43 ડીગ્રી, ગાંધીનગરનું તાપમાન 44 ડીગ્રી, વલ્લભ વિઘાનગરનું તાપમાન 4ર.પ ડીગ્રી, વડોદરાનું તાપમાન 42.5 ડીગ્રી, સુરતનું તાપમાન 40.3 ડીગ્રી, કચ્છનું તાપમાન 41.2 ડીગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 40.8 ડીગ્રી, અમરેલીનું તાપમાન 42.5 ડીગ્રી, ભાવનગરનું તાપમાન  41.9 ડીગ્રી, રાજકોટનું તાપમાન 42.7 ડીગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 44.7 ડીગ્રી, અને જુનાગઢનું તાપમાન 40ડીગ્રી નોંધાયું છે.

1પમી મે બાદ પ્રિ. મોનસુન એકિટવીટી શરુ થશે જેના કારણે ગરમીનો જોર ઘટશે પરંતુ પરસેવે રેબઝેબ કરતો ઉકળાટનો અહેસાસ થશે આજે સવારે રાજકોટમાં આકાશમાં આછેરા વાદળો સાથે વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું. આગામી દિવસોમાં પણ રાજયભરમાં ગરમીનું જોર યથાવત રહેશે તાપમાનનો પારો 4ર થી 45 ડીગ્રી વચ્ચે રહેશે.

ઝાલાવાડના રણનું તાપમાન 51 ડિગ્રીએ પહોંચ્યું

સુરેન્દ્રનગરના પાટડીના રણનું તાપમાન 51 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. ગુજરાત રાજ્યનું સૌથી હોટ સિટી હાલ સુરેન્દ્રનગર બન્યું છે. કારણ કે, રણ વિસ્તારમાં 51 ડિગ્રી તાપમાન બતાવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા તાપમાન બાદ તંત્રએ સુરક્ષિત રહેવા લોકોને અપીલ કરી છે.

51 ડિગ્રી તાપમાન રણમાં કામ કરતા અગરિયા માટે આકરુ બની રહે છે. તેથી તંત્ર દ્વારા અગરિયાઓને પણ સુરક્ષિત સ્થળે ગરમીથી બચવા તંત્રે અપીલ કરી છે. આ વિશે સુરેન્દ્રનગર હવામાન વિભાગના મુખ્ય અધિકારી જનક રાવલ કહે છે કે, હજુ 3 દિવસ ગરમીનો પારો ઉંચો જવાની આગાહી છે. આવામાં હજારો અગરિયાઓ રણમાં ઉંચા તાપમાનમાં શેકાય છે. તેથી જ અમે તેમને સલામત સ્થળે જવા કહીએ છીએ, અને આવી ગરમીમાં કામ ન કરવા કહીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.