જુનાગઢ પણ ૧૦.૯ ડિગ્રી સાથે કાતીલ ઠંડીમાં ઠુંઠવાયું
ઉત્તરીય રાજયોમાં બરફવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે હજી ઠંડીનું જોર વધે તેવી આગાહી
ઉતર ભારતના રાજયોમાં સતત થઈ રહેલી બરફવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હાડ થ્રીજાવતી કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજકોટમાં આજે ચાલુ સાલ શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ તરીકે નોંધાયો હતોતો કચ્છનું નલીયા આજે ૬.૨ ડિગ્રી સાથે ઠુંઠવાયું હતું. આગામી દિવસોમાં હજી ઠંડીનું જોર વધે અને રાજયમાં અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં આવી જાય તેવી શકયતા રહેલી છે.
કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન આજે ૬.૨ ડિગ્રી સેલ્શીયસનોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૪ ટકા જયારે ગઈકાલનું મહતમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું છે. નલીયામાં એકજ દિવસમાં તાપમાનનો પારો પાંચ ડિગ્રી સુધી નીચો પટકાતા લોકો ગાત્રો થ્રીજાવતી કાતીલ ઠંડીમાં રિતસર ઠુંઠવાય ગયા હતા. આ પૂર્વે ગત સપ્તાહે પણ નલીયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન ૫.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં આજે ચાલુ સાલ શિયાળાની સિઝનનો સૌથીઠંડો દિવસ તરીકે નોંધાયો છે. રાજકોટનું લઘુતમ તાપમાન આજે ૧૧ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. સવારે ૮:૩૦ કલાકે તાપમાનનો પારો ૧૫.૬ ડિગ્રી રહેવા પામ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૩ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૮ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
કાતીલ ઠંડીના કારણે શહેરમાં અનેક શાળાઓએ સવારે પોતાના સમયમાં ફેરફાર કર્યો છે અને શાળાનો સમય ૩૦ મિનિટ જેટલો મોડો કર્યો છે.
જુનાગઢ પણ આજે કાતીલ ઠંડીમાં થરથર ધ્રુજયું હતું. જુનાગઢનું લઘુતમ તાપમાન આજે ૧૦.૯ ડિગ્રી સેલ્શીયસ નોંધાયુંહતું. જયારે મહતમ તાપમાન ૧૫ ડિગ્રી રહેવા પામ્યું હતું.લઘુતમ અને મહતમ તાપમાનમાં ચાર ડિગ્રી જેટલું અંતર રહ્યાના કારણે જુનાગઢવાસીઓ આખો દિવસ કાતીલ ઠંડીમાં ધ્રુજયા હતા. અહીં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૬ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૪.૪ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
રાજયભરમાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે દ્વારકાના જગતમંદિરે ભગવાન દ્વારકાધીશને ઠંડી સામે રક્ષણ આપવા ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાંદીના તાપણાનું પણ ચાલુ કરવામાં આવ્યું છે. ભગવાનને હાલ ધી, ગોળ, મરી,તજ, કેશર, મુશળીનો ભોગ ધરાવવામાં આવે છે.