હાઈકોર્ટે વિસનગર કોર્ટનાં ચુકાદા પર સ્ટે મુકવાની રીટ અરજી ફગાવ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં અમિત શાહનાં રોડ-શો વખતે આપી પ્રતિક્રિયા

ગાંધીનગરમાં આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભવ્ય રોડ-શો યોજીને ઉમેદવારી ફોર્મ ભરવાના છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ હાર્દિક પટેલ વિશે જણાવ્યું કે, હાર્દિક બચી ગયો છે અમે તો ઈચ્છતા જ હતા કે હાર્દિક પટેલ ચુંટણી લડે પરંતુ કોર્ટનાં ચુકાદા મુજબ તેઓ ચુંટણી લડી શકે તેમ નથી.

ગાંધીનગરમાં આજે અમિત શાહનો રોડ-શો યોજાયો હતો. બાદમાં તેઓએ ઉમેદવારીપત્ર પણ ભર્યું હતું. આ તકે ભાજપનાં દિગ્ગજ નેતાઓની વિશાળ હાજરી રહી હતી. આ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાર્દિક પટેલ વિશે જણાવ્યું કે, હાર્દિકે સમાજનાં નામે આંદોલન કર્યા બાદ સમાજ સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે. અમે તો ઈચ્છતા હતા કે હાર્દિક પટેલ ચુંટણી લડે પરંતુ હાઈકોર્ટનાં ચુકાદાથી હાર્દિક ચુંટણી લડી શકે તેમ નથી.

ઉલ્લેખનીય છેકે, હાર્દિક પટેલને વિસનગર કોર્ટે ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવાનાં ગુનામાં બે વર્ષ અને ૯ મહિનાની સજા ફટકારી છે. હાલ તો હાર્દિક પટેલ જામીન ઉપર છે પરંતુ ચુંટણીપંચના નિયમ મુજબ બે વર્ષથી વધુ સજા ધરાવતા હોય તેવા વ્યકિત ચુંટણી લડી શકે નહીં. તેથી હાર્દિક પટેલે સજાનાં ચુકાદા પર સ્ટે મુકવા માટે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી પરંતુ હાઈકોર્ટે આ રીટ ફગાવી હતી. જેથી હાર્દિક પટેલ હવે ચુંટણી લડી શકે તેમ નથી.

નીતિન પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડે

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ મહેસાણા સંસદીય બેઠક પરથી લોકસભાની ચુંટણી લડવાના હોવાની છેલ્લા ઘણા સમયથી વાતો વહેતી થઈ હતી પરંતુ આ વાત પર આજે અમિત શાહના ગાંધીનગર ખાતેના રોડ-શો વખતે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે પૂર્ણવિરામ મુકી દીધો છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે આ અંગે જણાવ્યું કે, તેઓ લોકસભાની ચુંટણી લડવાના નથી. નોંધનીય છે કે મહેસાણા બેઠક પર ભાજપની મુંઝવણભરી સ્થિતિ હોવાથી હજી સુધી ઉમેદવારના નામની સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.